ઝઘડિયાના દુબોરીદ્રા ગામની ખાડીમાં મોટી માત્રામાં પ્રદુષિત પાણી છોડાયું
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ પ્રદુષિત કેમિકલ જાહેરમાં વરસાદી કાંસમાં છોડવામાં આવતા તે પાણી વહીને દુબોરીદ્રા ગામની સિમ સુધી આવી જઈ નર્મદા નદી તરફ આગળ વધી રહ્યું છે.આ ખાડી જીઆઈડીસીથી દુબોરીદ્રા ગોવાલી થઈ નર્મદામાં ભળતી હોઈ પ્રદુષિત પાણી થી ખેતીને,પાણીમાં રહેતા જીવને તથા ખાડીમાંથી પાણી પીતા પશુઓને નુકસાનકર્તા છે તેમ છતાં ઉદ્યોગ સંચાલકો દ્વારા વારંવાર આવું કૃત્ય કરાઈ રહ્યું છે.
ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકોને ચોમાસાની દેડકાની જેમ રાહ જોતા હોઈ છે.ક્યારે વરસાદનું ઝાપટુ પડે અને અમે વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી વરસાદી કાંસ માં પાસ કરીએ. જીઆઈડીસીએ પણ વરસાદી કાંસ એવા બનાવ્યા છે ને કે પ્રદુષિત કેમિકલ કોને જાહેરમાં છોડ્યું તે માલમ કરવાનું મુશ્કિલ બની જાય છે.
ચોમાસા દરમ્યાન વારંવાર ઉદ્યોગ સંચાલકો દ્વારા આવું કૃત્ય કરવામાં આવે છે. આજરોજ માંડવા ગામના અને પ્રદુષણ ઓકતા ઉદ્યોગો વિરૃદ્ધ જન જાગૃતિ અને લડત ચલાવતા હસમુખભાઈ ને દુબોરીદ્રા ગામ પાસેથી વહેતી ખાડીમાં મોટી માત્રામાં કોઈ એકમ દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવેલ છે તેવી જાણ થતા તેઓ જીઆઈડીસી માંથી દુબોરીદ્રા સુધી જોતા મોટા પાયે ખાડીમાં પ્રદુષિત પાણી વહેતુ નજરે પડ્યું હતું. દુબોરીદ્રા ગામ પાસે એટલી હદે પ્રદુષિત પાણી ઘેરાયેલું હતુંકે જો કોઈ પશુ તેને પીય જાય તો તેનું મૌત નિશ્ચિત થાય.
આ ખાડીનું પાણી જીઆઇડીસી થઈ દુબોરીદ્રા, ગોવાલી થઈ નર્મદામાં ભળે છે. આજરોજ ગોવાલી ગામ પાસે પણ ખાડીમાંની માછલીઓના મોત થયા હોવાના અહેવાલ છે. નર્મદામાં ભળતી ખાડીના પ્રદુષિત પાણીના કારણે નર્મદાના જળચર ને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.જીલ્લા જીપીસીબી પર ઉદ્યોગ સંચાલકો સાથે ની સાંઠગાંઠના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આવી બાબતો એમના ધ્યાને પણ આવતી હશે કે કેમ તે વિચારવું રહ્યું. આજરોજ દુબોરીદ્રા ગામ સુધી આવેલ પ્રદુષિત પાણી સંદર્ભે એનજીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરી પાણીના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.*