ઝઘડિયાના ધોલીડેમમાં બે કિશોરીઓ ડુબી જવાથી મોત.
આ છોકરીઓ ધોલીડેમ ખાતે કપડા ધોવા ગયેલ હતી તે દરમ્યાન ઘટના બની.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઉમલ્લા પોલીસ મથકની હદના વણખુટા ગામની બે કિશોરીઓના ધોલીડેમમાં ડુબી જતા મોત નીપજ્યા હતા.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઈ વસાવા ઉ.વર્ષ ૧૭ અને શિલ્પાબેન રોહિતભાઈ વસાવા ઉ.વર્ષ ૧૨ ગતરોજ તા.૫ મીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ધોલીડેમ ખાતે કપડા ધોવા ગયેલ હતી.
ત્યાર બાદ આ બન્ને છોકરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી નહતી,તેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ આરંભી હતી.દરમ્યાન ધોલીડેમના કિનારા પર કોઈ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઈને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું.
ઘટના અંગે વણખુટાના રહીશ દેવલભાઈ રામભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ વૈશાલીબેન ઠુમ્મરે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે જઈને જરુરી કાર્યવાહી હાથધરી હતી અને મૃતદેહોને નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.કરવા મોકલી આપ્યા હતા.
ઘટના સંદર્ભે ઉમલ્લા હે.કો.રોહિતભાઈએ તપાસ હાથધરી હતી.વણખુટા ગામની બે આશાસ્પદ કિશોરીઓના અકાળે મોત થતાં વણખુટા સહિત પંથકના ગામોએ શોકનો માહોલ છવાયો હતો.