ઝઘડિયાના ફુલવાડી ગામની સીમમાંથી વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર તોડી સામાનની ચોરી
૯૫ કિલો કોપર કોઈલ, ૬૦ લીટર ઓઈલ અને અન્ય નુકસાન મળી ૨૭,૮૫૦નું નુકસાન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામની સીમ માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ડીજીવીસીએલ કંપનીનું ટ્રાન્સફોર્મર પોલ પરથી નીચે પાડી દઈ તેમાંથી ૯૫ કિલો કોપરની કોઈલ, ૬૦ લીટર ઓઈલ અને અન્ય નુકસાન મળી કુલ રૂપિયા ૨૭૮૫૦નું વીજ કંપનીને નુકસાન પહોચાડ્યું છે.
ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામની સીમ માં વિજય મહેશભાઈ પટેલના ખેતરમાં ડીજીવીસીએલ દ્વારા ખેતી વિષયક વીજ પુરવઠો આઠ કલાક મળી રહે તે હેતુથી વીજ ટ્રાન્સફોર્મર ઉભું કરવામાં આવ્યું હતું.ગત તા. ૩૧.૫.૨૦ ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ટ્રાન્સ્ફોર્મરને વીજ પોલ પરથી નીચે પાડી દીધું હતું. ટ્રાન્સફોર્મર નીચે પાડી દીધા બાદ તેમાંથી ૯૫ કિલો જેટલી કોપર કોઇલ, ૬૦ લીટર ઓઇલની ચોરી કરી ગયા હતા અને ટ્રાન્સ્ફોર્મરને નુકસાન કર્યું હતું.
વીજ કંપનીને ૨૭૮૫૦ રૂપિયાનું નુકસાન થયું છે. ટ્રાન્સફોર્મરના નુકસાન બાબતે ખેડૂતે ઝઘડિયા વીજ કચેરી ખાતે અરજી આપી હતી જેના આધારે ઝઘડિયા વીજ કંપનીના નાયબ ઈજનેર આશિષકુમાર કલોલીયાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ખુબ મોટા પાયે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કિંમતી સામાન ચોરી કરવાની અસંખ્ય ઘટનાઓ બને છે.ફરિયાદો પણ થઇ છે. પરંતુ ટ્રાન્સફોર્મર ચોરો હાથ લાગતા નથી જેથી આવી ગેરકાયદેસર પ્રવુતિઓ ઝઘડિયા તાલુકામાં બળવત્તર બની છે.