ઝઘડિયાના ફુલવાડી ગામેથી ખેતરમાં ખાડો કરી દાટેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
રૂ.૯૭ હજારની કિંમતનો વિદેશી દારૂ બીયરની ૮૭૦ નંગ બોટલો ઝડપી દારૂનો જથ્થો રાખનાર અને મોકલનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ખેતરમાં ખાડાઓ કરી દાટેલો જથ્થો ઝડપી લીધો હતો.આજરોજ ભરૂચ એલસીબીની ટીમને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ માં હતી.
તે દરમ્યાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે એક બુટલેગરે પોતાના ઘર નજીકના ખેતરમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.એલસીબી ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઈ હતી.
પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ ૮૭૦ જેટલી રૂ.૯૭૨૦૦ ની કિંમતની બોટલો કબ્જે લીધી હતી.
આ કામગીરી દરમ્યાન સ્થળ ઉપર નહિ મળેલ બુટલેગર સુનિલભાઈ માનસીંગભાઈ વસાવા રહે. ફુલવાડી તેમજ દારૂનો જથ્થો મોકલનાર પ્રકાશ ઉર્ફે પકો વસાવા રહે.ગામ નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.એલસીબી ભરૂચ દ્વારા આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી.