ઝઘડિયાના ફુલવાડી ગામે વિજ વાયર તૂટી પડતા શેરડીના ખેતરમાં આગ ભભૂકી ઉઠી
આશરે પાંચ એકડ જમીનમાં વાવેતર કરેલ શેરડી સળગી જતા બાજુમાં આવેલા રહેણાંક ઘરો સતર્કતાના પગલે આગની લપેટમાં આવતા બચી ગયા.
(વિરલ રાણા) ભરૂચ,મૂળ ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા નિરંજનભાઈ સાકરલાલભાઈ શાહ ફુલવાડી ગામે ખેતી કરે છે.ફુલવાડી ગામના પારસી ફળિયાને અડીને આવેલા તેમના ખેતરમાં તેમણે શેરડીનું વાવેતર કરેલ છે.તેમના આ ખેતર માંથી એગ્રીકલ્ચર વીજ પ્રવાહના પોલ પસાર થાય છે.
આજરોજ આકસ્મિક રીતે વીજ પ્રવાહ ચાલુ હતો તે દરમ્યાન પોલ પરથી વાયરો તૂટીને શેરડીના ખેતરમાં પડતા આગ લાગી હતી.શેરડીના ખેતરમાં આગ લાગતા જોતજોતામાં આખા ખેતરમાં વાવેતર કરેલ શેરડીનો પાક રાખ થઈ ગયો હતો.આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ખેતરને અડીને આવેલા ઘરોમાં પણ આગ લાગવાનું જોખમ ઊભું થયું હતું.
પરંતુ ગામ આગેવાનોની સતર્કતાના પગલે આરતી ઈન્ડસ્ટ્રીઝ,યુપીએલ,ડીસીએમ અને ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટેન્ડરો સમયસર આવી જતા આગની લપેટમાં આવતા ઘરોને બચાવી લેવાયા હતા અને ખેતરમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી હતી. એગ્રિકલ્ચર લાઈનના વાયર તુટી પડતા શેરડીનો પાક સળગી જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.