ઝઘડિયાના મોટાસાંજા ગામના પૌરાણિક અનરકેશ્વર મહાદેવ મંદિરની સાલગીરીની ઉજવણી કરવામાં આવી
ભરૂચ: ઝઘડિયા તાલુકાનું અતિ પૌરાણિક શિવ મંદિરમાં જેની ગણતરી થાય છે એવા અનરકેશ્વર મહાદેવ મંદિર ઝઘડિયા નજીકના મોટાસાંજા ગામે આવેલું છે. છેલ્લા કેટલા દસકાઓ થી અનરકેશ્વર ખાતે મંદિરની સાલગીરીની ઉજવણી શાનદાર રીતે થાય છે. અનરકેશ્વર દાદાના ભક્તો દ્વારા સાલગીરીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન મંદિરના પૂજારી દેવેન્દ્રગીરી મહારાજના (બચુભાઈ મહારાજ) માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.ચાલુ સાલે સાલગીરી નિમિત્તિ પ્રાતઃઆરતી,પૂજા ત્યાર બાદ હવનનું આયોજ કરવામાં આવ્યું હતુ
જેમાં ૧૧ જેટલા યજમાનોએ પૂજાનો લ્હાવો લીધો હતો ત્યાર બાદ અભિષેક પૂજા કરવામાં આવી હતી.સાલગીરી નિમિત્તિઝઘડિયા,લિમોદરા,રાણીપુરા ગામો માંથી ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.અનરકેશ્વર મહાદેવ મંદિરનો નર્મદા પુરાણ સહિતના હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે.શાસ્ત્રો મુજબ અનરકેશ્વર મહાદેવ ના શિવલિંગની સ્થાપના સ્વયં યમરાજાના હસ્તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે
પોતાના કર્મોથી વ્યથિત થયેલા યમરાજાએ શિવને પ્રસન્ન કરવા અહીં તપ કર્યું હતું શિવે પ્રસન્ન થઈ પોતાના જ કર્મોથી વ્યથિત યમરાજને અહીં શિવલિંગની સ્થાપના કરવા જણાવ્યું હતુ અને કહ્યું હતું કે જે કોઈ મનુષ્ય અહીં આવી શિવ આરાધના કરશે તેની તેના પાપ કર્મો માંથી મુક્તિ મળશે એવો ઉલ્લેખ પણ જોવા મળે છે.આજના દિવસે થયેલ સાલગીરીની ઉજવણીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિર ખાતે દિવસ દરમિયાન આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.