Western Times News

Gujarati News

ઝઘડિયાના મોરતલાવ ગામના શિક્ષક સાથે અલગ-અલગ કંપનીઓના લાખો રૂપિયાના વીમા ઉતારાવી ૬૫.૬૦ લાખની છેતરપીંડી

૧૬.૯૧ લાખનો વીમો ઉતાર્યા બાદ શિક્ષકને છેતરાયાનું જણાતા તે રૂપિયાની રિકવરી મેળવવા વધુ લાખો રૂપિયા ગુમાવ્યા હતા.
૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્યાન વીમો ઉતરાવવા અને ઉતારેલી વીમાની રકમ મેળવવા વધુ રૂપિયા આપતા કુલ ૬૫,૬૦,૨૫૧ ની છેતરપિંડીની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં ભોગ બનનાર શિક્ષકે નોંધાવી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામે રહેતા ઇલ્યાસભાઇ અવિચળભાઈ રજવાડી વાસણા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.ઈલ્યાસભાઈ પર તા. ૧.૧૧.૧૪ના રોજ ઋતુ શર્મા નો ફોન આવેલો અને જણાવેલ અને મેડીક્લેમ વીમા પોલિસી બાબતે જાણકારી આપેલ હતી ત્યારે તેમની વાત ઉપર ભરોસો રાખી તેમણે તેમના પોતાની તેમની પત્નીની તથા તેમની દીકરીઓના નામની મેડિકલ વીમા પોલિસી લીધી હતી.ઈલ્યાસભાઈએ નવેમ્બર ૨૦૧૪ થી ઓગસ્ટ ૨૦૧૫ સુધીમાં કુલ ૧૨ પોલીસી રૂપિયા ૧૬,૯૧,૭૫૯ ની લીધી હતી.

ઋતુ શર્મા નામના ઈસમે લોભામણી વાતો કરી કુલ ૧૨ પોલીસી ઈલિયાસભાઈ પાસે લેવાવડાવી હતી.ત્યાર બાદ ઈલિયાસભાઈને કોઈ એક વ્યક્તિ એ જણાવેલ કે તમે આટલી બધી પોલીસની લીધી છે તો તેનું વાર્ષિક પ્રિમિયમ તમે ભરી શકશો? ત્યારે તેમણે તેમનાથી પ્રીમિયમ નહીં ભરાઈ તેવી વાત કરી હતી અને તેમની પાસેથી ખોટી રીતે પોલીસી લેવાડવામા આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.તમામ પોલીસ કેન્સલ કરાવી પોલિસીના નાણાં તમે લઈ લો તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ ઇલ્યાસભાઇ પર ઘણી બધી જગ્યાએથી ૧૯ જેટલા ઈસમોના ફોન આવ્યા હતા.

જેમાં તેમણે  વીમા એજન્ટ,સરકારી વકીલ,આરબીઆઈના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું તેમ કહી તેમની સાથે વાતચીત કરી હતી અને તેઓને પૈસા કઢાવી આપવા યેનકેન પ્રકારે પૈસા ભરાવ્યા હતા.ટેક્સના પૈસા અને ત્યાર બાદ પોલીસી લેવા તેઓ પર દબાણ કરતા હતા.ઈલ્યાસભાઈ પાસેથી સપ્ટેમ્બર ૧૪ થી મે ૧૬ દરમ્યાન કુલ ૩૯ ચેક દ્વારા તથા એનઈએફટી દ્વારા મળી કુલ રૂપિયા ૬૫,૬૦,૨૫૧ ની છેતરપિંડી કરી પડાવી લીધા હતા.જેથી ઈલ્યાસભાઈ એ તેમની સાથે છેતરપિંડી થયાનો જણાતા તેમણે સાયબર સેલ ભરૂચમાં અરજી કરી હતી અને સાયબર સેલના માધ્યમથી ટેકનિકલ તપાસ કરવામાં આવતા ઈલ્યાસભાઈ રજવાડી પાસેથી ૬૫,૬૦,૨૫૧ જેટલા પૈસા પડાવનાર ૪૧ જેટલા ઈસમોની તેમણે કરેલા મોબાઈલ નંબર ઉપરથી તથા નાંણા ટ્રાન્સફર કરેલ બેંક ખાતા પરથી માહિતી મળી હતી.

જેથી ઈલ્યાસભાઈએ તમામ ૪૧ ઈસમો વિરુદ્ધ તેમની સાથે ગુનાઇત કાવતરું રચી એકબીજાને મદદગારી કરી એકસીસ લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી, એચડીએફસી, એગોન રેલીગર તથા રિલાયન્સ કંપની ની અલગ અલગ કુલ ૧૨ પોલીસી અને તે પોલિસીના રોકાણ કરશો તો તમને ખૂબ ફાયદો થશે તેમ જણાવી લલચામણી લોભામણી વાતો કરી તેમને વિશ્વાસ અને ભરોસો આપી લાખો રૂપિયાની માતબર રકમ ગેરકાયદેસર રીતે પડાવી લીધી હતી અને ઈલિયાસ ભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ ઈસમો જેમાં મોબાઈલધારકો તેમજ જે ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી તે ખાતા ધારકો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.