ઝઘડિયાના મોહન ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

૨૮ હજાર રોકડા અને સોના-ચાંદી ના દાગીના મળી કુલ ૫૭ હજાર ઉપરાંતનો હાથફેરો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયાના મોહન ફળિયામાં તસ્કરો દ્વારા એક ઘરનો પાછળનો દરવાજો તોડી ઘરમાં રાખેલ તિજોરી માંથી ૨૮૯૦૦ ના સોના ચાંદીના ઘરેણા તથા ૨૮૦૦૦ રૂપિયા રોકડા મળી ૫૭૪૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી ગયા છે.
ઝઘડિયાના મોહન ફળિયામાં રહેતી ગીતાબેન સુરેશભાઈ વસાવાના ઘરને ગતરોજ રાત્રીએ તસ્કરો દ્વારા નિશાન બનાવી હજારો રૂપિયાનો સોના ચાંદીનો ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા છે. ગતરોજ રાત્રિએ ગીતાબેન તેમના પરિવાર સાથે જમી પરવારી સુઈ ગયા હતા.
રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનો પાછળનો દરવાજાના કોઈ સાધન વડે નચુકા કાઢી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલ તિજોરીમાંથી તસ્કરો દ્વારા બે ચાંદીના સાંકડા, બે સોનાની વિટી, એક જોડ સોનાની બુટ્ટી, એક જોડ સોનાની કડીઓ, ચાર નંગ ચાંદીની લકી તેમજ રોકડા રૂપિયા ૨૮૦૦૦ મળી કુલ ૫૭૪૦૦ ના મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગીતાબેન સુરેશભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.