ઝઘડિયાના વણાંકપોર ગામે ખેતરે મજૂરીએ જતા ત્રણ ઈસમોને બાઈક ચાલકે અડફેટે લીધા
બાઈક ચાલકે ઈજાગ્રસ્તોને દવાના પૈસા આપવાનું કહી તે નહીં આપતા ઈજાગ્રસ્તોએ પોલીસ ફરિયાદ કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે રહેતા મંગાભાઈ ઉકકડભાઈ વસાવા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા.૧.૮.૨૧ ના રોજ સવારે મંગાભાઈ તેમની પત્ની પ્રેમીલાબેન તથા તેમની પુત્રવધૂ નાનુબેન વણાંકપોર ગામના કાસમભાઈ સિદ્દીકભાઈના ખેતરે જતા હતા.તે દરમ્યાન તેઓ વણાંકપોર રાજપાડી રોડ ઉપર સ્મશાન આવેલ હોય ત્યાંથી પસાર થતા હતા.ત્યારે વણાંકપોર ગામ તરફથી એક બાઈક ચાલક પૂરઝડપે રાજપારડી તરફ જતો હતો તેણે પોતાનું વાહન ગફલતભરી રીતે અને બેફીકરાઈ થી ચલાવી મજૂરી પર જતા મંગાભાઈ, પ્રેમીલાબેન તથા નાનુબેનને અડફેટે લીધા હતા અને તેઓ ત્રણે નીચે પડી ગયા હતા.બાઈક ચાલક પણ નીચે પડી ગયો હતો.
બાઈક ચાલક વણાંકપોર ગામનો જ સિધ્ધરાજસિંહ અજીતસિંહ દરબાર હતો તેવુ મંગાભાઈએ ઓળખી કાઢ્યો હતો.મંગાભાઈ તથા તેમના પરિવારના સભ્યો સારવાર અર્થે રિક્ષામાં બેસી રાજપારડી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી ઘરે ગયા હતા. સારવાર બાદ અકસ્માત કરનાર બાઈક ચાલક સિધ્ધરાજસિંહે ફરિયાદ કરશો નહીં તમને દવાના પૈસા આપીશ તેમ કહ્યું હતું.જેથી મંગાભાઈએ પોલીસ ફરિયાદ કરેલ નહીં.મંગાભાઈએ સિધ્ધરાજસિંહ પાસે દવાના પૈસા માંગણી કરવા છતાં
આપેલ નહીં અને ગતરોજ જણાવેલ કે હું દવાના પૈસા આપવાનો નથી તમારે પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેમ કયું હતું.મંગાભાઈને અકસ્માત દરમિયાન કમરના ભાગે ફેક્ચર થયેલ હોવાનું ભરૂચ સિવિલના તબીબોએ જણાવ્યું હતું.મંગાભાઈ ઉકકડભાઈ વસાવા એ સિધ્ધરાજસિંહ અજીતસિંહ દરબાર રહે.વણાંકપોર તા.ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.