ઝઘડિયાના વલા ગામેથી ઉમલ્લા પોલીસે છાપો મારી ૧૪૪ નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી છે
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસને બાતમી મળી હતીકે વલા ગામે જસવંત નામનો ઈસમ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેના આધારે છાપો મારી ૧૪૪ નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી છે. ઝડપાયેલ બોટલોની કિંમત ૧૪,૪૦૦ જેટલી થઈ છે.
ગતરોજ ઉમલ્લા પોલીસ હોળી ધુળેટીના પર્વ નિમિતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વલા ગામનો જસવંત મેલા વસાવા તેના વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે ઉમલ્લા પોલીસે જસવંતના ઘરે છાપો માર્યો હતો. છાપામારી દરમિયાન જસવંત મળ્યો નહોતો. પોલીસે તેના ઘર અને વાડામાં તપાસ કરતા વાડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૧૪૪ નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કુલ ૧૪,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જસવંત મેલા વસાવા વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.