Western Times News

Gujarati News

ઝઘડિયાના સેલોદ ગામે જમીન માપણી વેળા ઝઘડો થતા ત્રણ ઈસમોએ એક મહિલા ખેડૂતને કોદાળી વડે હુમલો કરી માર મારી ઈજાગ્રસ્ત કર્યા

જે લોકોની જમીન માપણી થતી હતી તે સિવાયના અન્ય ઈસમો આવી મહિલા ખેડૂત સાથે ગાળાગાળી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી- ઝપાઝપી દરમ્યાન મહિલાનું મંગળસૂત્ર અને કાનની કડી ક્યાંક પડી ગઈ હતી.

ભરૂચ: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની મહિલા ખેડૂત તેના પાડોસી ખેડૂત સાથે ખેતરની માપણી કરાવતા હતા તે દરમિયાન ગામના અન્ય ત્રણ ઈસમો આવી મહિલા સાથે ગાળાગાળી કરી તેણીને કોદાળી વડે હુમલો કરી, લાકડીના સપાટા મારી ઈજાગ્રસ્ત કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઝઘડિયા તાલુકાના સેલોદ ગામના નયનાબેન નવનીતભાઈ પટેલની સેલોદ ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે.નયનાબેનને તેમના ખેતર પાડોસી પ્રતિનભાઈ મગનભાઈ પટેલ સાથે ખેતરના માપ બાબતે મતભેદ ઉભા થયા હતા.મતભેદના નિરાકરણ માટે જમીન માપણી માટે સર્વેયરને બોલાવ્યા હતા. ગતરોજ બપોરે બાર વાગ્યાના અરસામાં સર્વેયર આવીને માપણી શરૂ કરી હતી.દોઢ વાગ્યાના અરસામાં માપણીનું કામ ચાલતું હતું
તે દરમિયાન સેલોદ ગામના અલ્પેશ હરિભાઈ પટેલ, હરિભાઈ દેવજીભાઈ પટેલ, રણછોડભાઈ દેવજીભાઈ પટેલના ઓ ખેતર પર આવી ગમેતેમ માંબેન સમાણી ગાળો બોલવા લાગેલા.નયનાબેને ગાળો બોલવાની ના પાડતા અલ્પેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની કોદાળી વડે નયનાબેન પર હુમલો કર્યો હતો જેથી તેમને હાથમાં કોદાળીનો ઘા થયો હતો.હરિભાઈ અને રણછોડભાઈ પણ નયનાબેનને લાકડીના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ તેમને નયનાબેન સાથે ઝપાઝપી કરી હતી તે દરમ્યાન તેમના કાનની એક કડી તથા એક અઢી તોલાનું મંગળસૂત્ર ક્યાંક પડી ગયું હતું. ત્રણેય ઈસમો જતાંજતાં એવી ધમકી આપતા હતા કે જમીન બાબતે કઈ કર્યું છે તો જાનથી મારી નાંખીશુ.નયનાબેનના પરિવારે તેમને વધુ મારમાંથી બચાવી પ્રાથમિક સારવાર અર્થે ઝઘડિયા સરકારી દવાખાને લઈ ગયા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભોગ બનનાર નયનાબેન પટેલે (૧) અલ્પેશભાઈ હરિભાઈ પટેલ (૨) હરિભાઈ દેવજીભાઈ પટેલ (૩) રણછોડભાઈ દેવજીભાઈ પટેલ વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.