ઝઘડિયાના 11 ગામોમાં અનિયમીત વિજ પૂરવઠાને કારણે લોકોમાં રોષ
ઝઘડિયાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોનું આવેદનપત્ર
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે.
ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે.
જેના પગલે ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસ, શિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઈ દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકો આજરોજ ઝઘડિયા વીજ કંપની ની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી.
આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં નખાય છે ત્યારથી ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા ૧૦ થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી,જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે, ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરવા આવતું નથી
જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત થતો નથી, તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરો નો સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો રહે અને જો આવનારા દસ દિવસમાં કોઈ નિરાકરણ નહિ આવે તો અમે સરકાર સુધી રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.