ઝઘડિયાની બોરોસિલ કંપનીમાં હાઈડ્રાની તુટેલી લોખંડની પ્લેટ નીચે દબાઈ જતા કામદારનું મોત.

કંપનીમાં બોરનું કામ કરતી વખતે સર્જાયેલ દુર્ઘટનામાં વેસ્ટ બંગાલના લેબરે જીવ ગુમાવ્યો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં ઘણા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓમાં કામદાર શ્રમિકોના મોત પણ થતાં હોય છે.આવી જ એક જીવલેણ ઘટનામાં ઝઘડિયા નજીક આવેલ બોરોસીલ નામની કંપનીમાં બોરનું કામ કરતી વખતે હાઈડ્રાનો બેલ્ટ તુટી જતા લોખંડની પ્લેટ કામ કરતા લેબર પર પડતા પ્લેટ નીચે દબાઈ ગયેલ આ લેબર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ મુળ વેસ્ટ બંગાલનો રહીશ અને હાલ બોરોસિલ કંપનીની લેબર કોલોની ખાતે રહેતો ૩૦ વર્ષીય સફીકુલ તામીજઉદ્દિન શેખ ગતરોજ તા.૧૯ મીના રોજ અન્ય કામદારો સાથે બોરોસિલ કંપનીમાં પાયલિંગ (બોર) નું કામ કરવા ગયો હતો.તે દરમ્યાન સવારના અગિયાર વાગ્યાના સમયે હાઈડ્રાનો બેલ્ટ તુટી જવાથી લોંખડની પ્લેટ નીચે પડી હતી.આ પ્લેટ નીચે સફીકુલ દબાઈ જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યાર બાદ સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાં આ ઈજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.ઘટના બાબતે મૃતકના પિતરાઈ ભાઈ નાઝીરહુશેન શેખ હાલ રહે.બોરોસિલ કોલોની અને મુળ વેસ્ટ બંગાલનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં આવેલા ઉદ્યોગો પૈકી ઘણા ઉદ્યોગોમાં વારંવાર સર્જાતી જીવલેણ ઘટનાઓને લઈને ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.