ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી ૨૪ કામદારને ઈજા
ભરૂચ: ભરૂચના ઝઘડિયા તાલુકાની એક કંપનીમાં વહેલી સવારે એક કંપનીમાં જાેરદાર બ્લાસ્ટ થયો છે. સમગ્ર ઘટનામાં કંપનીના ૨૪ કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો જાેરદાર હતો કે, ૧૦ કિલોમીટરના રેડિયસમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે ધાડેડા, ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવો ઝાટકો અનુભવાયો છે.
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત યુપીએલ કંપનીમાં ધડાકા સાથે બોઇલર ફાટવાની ઘટના બની છે. આ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના સીએમ પ્લાન્ટમાં આ ઘટના બની હતી. જેમાં કંપનીમાં કામ કરતા ૨૪ જેટલા કામદાર ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વર અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
કંપનીને અડીને આવેલા દધેડા, ફુલવાડી, કરલસાડી ગામોમાં ધડાકાના કારણે લોકોના ઘરોના કાચ તૂટ્યા છે અને ભૂકંપ આવ્યો એ બીકે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ધડાકા બાદ ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડતી થઈ છે. બ્લાસ્ટ મોટો હોવાથી ફાયર વિભાગની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી ગયો છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.