ઝઘડિયાની વૃદ્ધના પેન્શન બંધાવી આપવાના બહાને ઘરેણાં પડાવી લેનાર યુવતી ઝડપાઈ
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયાની સિનિયર સીટીઝન મહિલાને વૃદ્ધોનું પેન્શન માટેનું ફોર્મ ભરવાનું છે તેમ કહી ભરૂચ કલેક્ટર કચેરી લઈ જઈ સાડા સાત તોલા સોનાના દાગીના ઉતારવી લઈ છેતરપિંડી કરી ગયેલ મહિલાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના અન્ય ગુનામાં પકડતા તેને ઝઘડિયાની વૃદ્ધા સાથે કરેલ છેતરપિંડી કબુલ કરી હતી.ઝઘડિયા પોલીસ આરોપી મહિલાને ટ્રાન્સફર વોરંટ થી લાવી કોર્ટ સમક્ષ રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગત તા ૮.૭.૧૯ના રોજ ઝઘડિયાના જયહિન્દ બાગ સામે રહેતા હુરબાનું ગુલામભાઈ મન્સૂરી પોતાના ઘરે હતા ત્યારે આશરે ૩૫ વર્ષીય એક મહિલા તેમની પાસે આવી કહ્યુ હતુ કે વૃદ્ધોના પેન્શન માટે ૬૦ વર્ષના વૃદ્ધોના સર્વે કરવા આવેલ છુ અને આજરોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોઈ તમારે મારી સાથે ભરૂચ કલેક્ટર કચેરી આવવું પડશે.હુરબાનું મન્સૂરી આવેલ મહિલા સાથે રીક્ષામાં ભરૂચ જવા નીકળેલ.રસ્તામાં તેને અંકલેશ્વર કામ હોઈ અંકલેશ્વર થી ભરૂચ લઈ જવાનું કહેતા તેઓ અંકલેશ્વર ગયા હતા અને ત્યાં થી રીક્ષા બદલી ભરૂચ પહોંચ્યા હતા.ભરૂચ પહોંચી ફોટા પડાવવાનું કહેતા તેઓ ફોટો સ્ટુડીઓમાં ગયા હતા. ફોટામાં સોનાના ઘરેણાં દેખાશે તો તમારું ફોર્મ રદ થશે તેમ કહી હુરબાનું મન્સુરીના બધા જ ઘરેણાં ઉતારવી લઈ બેગમાં મુકાવ્યા હતા.ફોટો પડાવ્યા બાદ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં હુરબાનું ને બીજા માળે લઈ જઈ ઠગ મહિલા એક બે ઓફિસમાં આંટા ફેરા મળી સોનાના દાગીના લઇ ફરાર થઈ ગઈ હતી. ઘણી રાહ જોયા બાદ હુરબાનુને મલમ પાળ્યુ કે વૃદ્ધ પેન્શન નું ફોર્મ ભરાવનાર મહિલા તેને છેતરીને નાસી ગઈ છે જેથી તેમને ઝઘડિયા પોલીસ મથકમાં અજાણી મહિલા વિરૃદ્ધ ૨૨૫૦૦૦ ના ઘરેણા ની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ચાલુ માસ ની ૧૬.૧૧.૧૯ ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં સઇદાબીબી ફિરોજખાન અશરફ ખાન પઠાણ રહેવાસી દાગજીપુરા તા.ઉમરેઠ જીલ્લો આણંદ ની ધરપકડ કરી હતી.રિમાન્ડ દરમ્યાન પકડાયેલ સઈદાબીબીએ ઝઘડિયા ગામની હુરબાનું સાથે પણ છેતરપિંડી કરી હોવાનું કબુલ્યુ હતુ. ઝઘડિયા પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપી મહિલા સઇદાને ઝઘડિયા પોલીસ મથકે લાવી કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે હાજર કરતા કોર્ટ દ્વારા તેને સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.તપાસ કરતા અધિકારીના જણાવ્યા મુજબ રિમાન્ડ દરમ્યાન વધુ છેતરપિંડી કર્યા હોવાનું બહાર આવે તેવી શક્યતાઓ છે.