ઝઘડિયાની સીકા ઈન્ડિયા કંપની દ્વારા કેમિકલ વેસ્ટનો જથ્થો કંપનીની હદમાં ખાડો ખોદી જમીનમાં દબાવવાનું ષડયંત્ર ઝડપાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીકા ઈન્ડિયા લી.દ્વારા છેલ્લા બે દિવસ થી કંપનીનો કેમિકલ વેસ્ટ નો જથ્થો કંપની હદમાં ખાડા ખોદી જમીનમાં દબાવામાં આવી રહ્યો હતો.જેની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટીમ ને પડતા સીકા કંપનીના સંચાલકોને આવું ગેરકાયદેસર કૃત્ય કરતા ઝડપી લીધા હતા.કંપની સંચાલકો દ્વારા તેમનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે કંપની દ્વારા વેસ્ટ થયેલ રેતી અને સિમેન્ટ નો નિકાલ કરવામાં આવી રહ્યો હતો !
ઝઘડિયા જીઆઈડીસીના કંપની સંચાલકો કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાંનો હવે નવો તુક્કો અજમાવી રહ્યા છે, કંપની સંચાલકો દ્વારા કંપનીમાં ગેરકાયદેસર રીતે વેસ્ટનો સંગ્રહ કરી તેનો કંપની હદ માંજ નિકાલ કરે છે. સંચાલકો દવારા ખુલ્લી જમીનમાં ખાડા કરી વેસ્ટ તેમાં દબાવી ઉપર માટી ભરી દેવામાં આવે છે.એકાદ વર્ષ પછી તેને નજીક ની પંચાયતના સરપંચ ને માટી પૂરાણ કરવા મફતમાં આપી દેવામાં આવતી હોઈ છે.આવુજ એક ષડયંત્ર ઝઘડિયા જીઆઈડીમાં આવેલ સીકા ઈન્ડિયા લી. કંપની દ્વારા રચવામાં આવી રહ્યું હોવાનું પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ દ્વારા પકડવામાં આવ્યું છે.
સીકા કંપનીના સંચાલકો દ્વારા કંપનીમાં નો કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિકની બેગોમાં ભરી છેલ્લા બે દિવસ થી કંપનીની હદમાં ખાડા ખોદી દબાવામાં આવતું હોવાનું જણાયું હતું, કંપની સંચાલકો દવારા મોટા પાયે કેમિકલ વેસ્ટ આ રીતે જમીનમાં દબાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.આ બાબતે મંડળ દવારા જીપીસીબીને જાણ કરી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે જીપીસીબી મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ રાજા પાર હોઈ કચેરી ખાતે સંપર્ક કરવા જણાવ્યું હતું.કચેરી નો સંપર્ક કરતા કોઈ જવાબદાર અધિકારીએ કચેરી ના ફોન પર જવાબ આપ્યો નથી.કંપની સંચાલકો ને આ બાબતે પુછાતા તેમને લૂલો બચાવ કરતા ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે કંપનીમાં વેસ્ટ થયેલ રેતી અને સિમેન્ટ નો ખાડા ખોદી નિકાલ કરવામાં આવી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જો કંપની માં રેતી અને સિમેન્ટ ના વેસ્ટનો નિકાલ કરવાનો હોઈ તો તેને જમીનમાં ખાડા ખોદીને નિકાલ કરવાની શુ જરૂર પડી, રેતી અને સિમેન્ટ કોઈ નુકસાન કરતા નથી તેને જમીનમાં દબાવી નિકાલ કરવાની કોઈ જરૂર હોટ નથી.*