ઝઘડિયામાં દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન થશે : સોમ થી શુક્ર સવારે ૭ થી ૨ વાગ્યા સુધી બજારો ખુલ્લાં રહેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Lockdown-1-scaled.jpg)
રાજપારડી તથા ઉમલ્લાના બજારો પણ બપોરે ૨ વાગ્યા બાદ બંધ રહેશે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,: ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે.ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા વેપારી મથક હોય અહીં સો થી વધુ ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા,કાચો માલ વેચવા તથા સરકારી કામ અર્થે આવતા હોય છે
તેવા સંજોગોમાં કોરોના નું સંક્રમણ વધવાની દહેશત રહે છે.ગતરોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાજોગ એક વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયાના બજારો સવારે સાત થી બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા.બપોરના બે વાગ્યા બાદ વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.
આગામી ગુરુવારે બપોરે બે વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી ઝઘડિયામાં સ્વેચ્છિક લોકડાઉન રહેશે.આ ઉપરાંત ઉમલ્લા વેપારી મંડળના પ્રમુખ વિનોદ શાહના જણાવ્યા પ્રમાણે ઉમલ્લા ના બજારો પણ સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લા રહે છે અને આવનારા દિવસોમાં પણ બજારો કોરોના સંક્રમણની ચેન તોડવાના આશયથી બે વાગ્યા બાદ બંધ રહેશે તેમ જણાવ્યું હતું.આવનારા દિવસોમાં જ્યાં સુધી કોરોના નું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી બજારો બપોર બાદ બંધ રહેશે.