ઝઘડિયામાં વીજ ફોલ્ટના કારણે ગ્રાહકોના વીજ ઉપકરણ બળી ગયા
વીજ મીટર, એસી, ફ્રીઝ, સીલિંગ ફેન સહિતના ઉપકરણો વીજ કંપનીની બેદરકારીના કારણે બળી ગયા હતા. ઝઘડિયા ગામ સહીત અન્ય ગામડાઓમાં પણ વારંવાર થતા વીજ ફોલ્ટના કારણે વીજ પ્રવાહનું દબાણ વધુ આવતા આવી ઘટનાઓ બને છે.
ભરૂચ: ઝઘડિયા વીજ કંપનીની બેદરકારી અને સમયસર સમારકાર નહિ થવાના કારણે વીજ ફોલ્ટ થાય છે જેના પગલે ગતરોજ વીજ કચેરીની પાછળ આવેલ સોસાયટીમાં એક સાથે બે વીજ મીટર, એસી, ફ્રીઝ, સીલિંગ ફેન સહિતના ઉપકરણો વીજ ફોલ્ટના કારણે બળી ગયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે ઝઘડિયા તાલુકામાં વીજ કંપનીનો એક પણ ગ્રાહક તેમની સેવાઓથી સંતુષ્ઠ નથી.
ડીજીવીસીએલની ઝઘડિયા, રાજપારડી વીજ કચેરીમાં સમાવિષ્ટ ગામોના ગ્રાહકોને વીજ મેળવવા અને સમારકામ કરાવવા અધિકારીઓ સાથે ઝઘડા કરવા પડે છે. સમયસર સમારકામ નહિ થતા હોવાના કારણે ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આર્થિક નુકસાની ભોગવવી પડે છે તે અલગ. ઝઘડિયા તાલુકામાં રહેણાંક વિસ્તાર અને ખેતી વિષયક લાઈનોમાં વારંવાર સમારકામના અભાવે ફોલ્ટ સર્જાઈ છે જેના પગલે ખેડૂતોની સબમર્સીબલ મોટરો અને અન્ય વીજ ઉપકરણો ફૂંકાવાની અસંખ્ય ઘટના બને છે પરંતુ વીજ કંપની તેમની ભૂલો ઢાંકવા હાથ અધ્ધર કરી દે છે.
ગતરોજ ઝઘડિયા ગામની અમરવિહાર સોસાયટીમાં વીજ ફોલ્ટ થવાના કારણે ત્રણ વીજ ગ્રાહકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા છે જેથી તેમને લખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં બે વીજ મીટર, એક એસી, એક ફ્રીઝ, ચાર સીલિંગ ફેન વીજળીનું વધુ પડતું દબાણ આવવાના કારણે ફૂંકાઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા ફોલ્ટ તો કેટલીય વખત બને છે. વીજ કંપનીમાં ફરિયાદ પણ કરીએ છે તો તેઓ ફોલ્ટનું બહાનું કાઢે છે. વીજ લાઈનોમાં ફોલ્ટ થાય એ જવાબદાર વીજ કચેરીની ભૂલ છે તેમાં વીજ ગ્રાહકો તેનો ભોગ બને છે. વારંવારની રજૂઆત બાદ પણ વીજ કંપનીના પેટનું પાણી હાલતું નથી એટલે ઝઘડિયા તાલુકાની ઝઘડિયા અને રાજપારડી વીજ કચેરીની બેદરકારીનો ભોગ આખા તાલુકાના હજારો વીજ ગ્રાહકો એ બનવું પડે છે. ગતરોજ થયેલા ફોલ્ટના કારણે ગ્રાહકો નુકસાનીનું વળતર લેવાની માંગણી કરી રહ્યા છે.