Western Times News

Gujarati News

ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના ૧૨૦ ગામોના જાહેર પ્રશ્નોનો નિકાલ લાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જય આદિવાસી મહાસંઘ દ્વારા બંને તાલુકાના ૧૨૦ ગામોમાં જાહેર પ્રશ્નો તેમજ સ્થાનિક પ્રશ્નો બાબતે જાગૃતિ ઝુંબેશ ચલાવી લોકોને નડતા ૧૨ જેટલા પ્રશ્નોની  છણાવટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.

(વિરલ રાણા, ભરૂચ) જય આદિવાસી મહાસંઘ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના વિકાશમાં અવરોધરૂપ મૂળ પ્રશ્નો બાબતે અવારનવાર સરકારમાં રજૂઆતો કરી રહ્યું છે.મહાસંઘના પ્રતિનિધિઓ દ્વારા ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં ૧૨૦ ગામોમાં વસતા આદિવાસી પરિવારોને સતાવતા પ્રશ્નોની છણાવટ કરવા માટે એક ઝુંબેશ ચલાવામાં આવી હતી.આ ઝુંબેશ દરમિયાન કેટલાક મૂળ પ્રશ્નો બહાર આવ્યા હતા.આ પ્રશ્નો બાબતે ગામ દીઠ આદિવાસી પરિવારના સભ્ય ઉપસ્થિત રહી એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેક્ટરને આપી પ્રશ્નોનો નિકાલ લાવવા રજૂઆત કરી હતી.આવેદનપત્રમાં મુખ્ય ૧૨ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી

જેમાં (૧) નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સગવડ અને અનિયમિત સ્ટાફના કારણે દર્દીઓને સારવાર સમયસર મળતી નથી જેથી આરોગ્ય કેન્દ્ર પરપૂરતી સગવડ અને સ્ટાફ નિયમિત થાય (૨) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તથા ગામડાઓમાં ખેતીવાડીની મોટરોની મોટા પાયે ચોરી થાય છે, ફરિયાદ થયા બાદ પણ મોટર પરત મળતી નથી અને ચોરી કરનારની ધરપકડ થતી નથી તે બાબતે તપાસ થવી જોઈએ (૩) વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ વ્યક્તિગત દાવા અરજીઓની જીપીએસ માપણી થયેલ છે તેવા દાવાઓનો ગીર ફાઉન્ડેશન દ્વારા સેટેલાઇટ નકશાની ખરાઈ કરવામાં આવે

(૪) પી.ડી.એસ દુકાન દ્વારા અનાજની કુપન આપવામાં આવે છે તેમજ કુપન પ્રમાણે અનાજ આપવામાં આવે (૫) આંગણવાડી સંચાલક અને મધ્યાન ભોજન સંચાલક અને પીડીએસ સંચાલક પાસેથી લગતા વળગતા દ્વારા હફ્તા ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવા જોઈએ (૬) નેત્રંગ, ઝઘડિયા તાલુકામાં બાઈકો ચોરી થાય છે તે અંગે સમયસર કાર્યવાહી કરવામાં આવે (૭) બી.પી.એલ રેસાં કાર્ડ બનાવ માટે ૫ થી ૬ હજાર રૂપિયા લગતા વળગતા અધિકારીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે

(૮) બંને તાલુકામાં ચાલતા પેસેન્જર વાહન સંચાલકો પાસેથી પોલીસ દવારા હફ્તા લેવામાં આવે છે તે બંધ કરાવવા બાબત (૯) ૯ મી ઑગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનના દિવસે ભરૂચ જિલ્લામાં જાહેર રજા જાહેર કરવામાં આવે (૧૦) જાતિના દાખલ બાબતે પિતાસજી અને પરિવારજનોના પણ એલ.સી માંગવામાં આવે છે તે બંધ કરવામાં આવે (૧૧) ઝઘડિયા તાલુકાની જીએમડીસીના અસરગ્રસ્ત ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ નિગમ દ્વારા ઉભી કરવામાં આવે (૧૨) નેત્રંગ, ઝઘડિયામાં આદિવાસી વિસ્તરણ ગામોમાં સિંચાઈની વ્યવસ્થાથી વંચિત ગામોમાં સિંચાઇની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીઓ જય આદિવાસી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જહગાહડીયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.