Western Times News

Gujarati News

ઝઘડિયા ખાતે બકરીઓ ભગાડવાની ના પાડતા પશુપાલક પર કુહાડીથી હુમલો

બકરીઓના માલિકે ત્રણ ઈસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવી.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે બકરીઓ ચરાવવા ગયેલ ઈસમની બકરીઓ અન્ય ઈસમ ભગાડતો હોઈ ભગાડવાનું ના પાડતા તે ઈસમે બકરીઓના માલિક પર કુહાડીથી હુમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના શાંતિનગર ફળિયા ખાતે રહેતો અલ્પેશભાઈ કનુભાઈ વસાવા નામનો યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે.

ગતરોજ તા.૫ મીના રોજ અલ્પેશ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઝઘડિયા એપીએમસી માર્કેટની બાજુમાં બકરા ચરાવવા ગયો હતો.બકરીઓ ચરતી હતી ત્યારે ઝઘડિયાના ડબ્બા ફળિયા ખાતે રહેતો ગીરીશભાઈ બચુભાઈ વસાવા ત્યાં આવીને બકરીઓને ભગાડવા લાગ્યો હતો.

અલ્પેશે બકરીઓ શુ કામ ભગાડે છે, એમ પુછતા ગીરીશ ગાળો બોલવા લાગ્યો હતો. તેને  ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈને ઝપાઝપી કરવા લાગ્યો હતો.ત્યાર બાદ ગીરીશે અલ્પેશને પીઠ પર કુહાડીના ગોદા માર્યા હતા.ઉપરાંત અલ્પેશને કુહાડીની મુંદર અછરતી કાન પર વાગી ગઇ હતી.

તેમજ ગીરીશે અલ્પેશને કુહાડીના લાકડાના હાથાથી પીઠ પર સપાટા માર્યા હતા.આ દરમ્યાન બુમાબુમ થતા ગીરીશનું ઉપરાણું લઈને અન્ય બે ઈસમોએ પણ અલ્પેશને ઢિકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત અલ્પેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો.

ઘટના સંદર્ભે અલ્પેશભાઈ કનુભાઈ વસાવા રહે.ઝઘડિયાનાએ ગીરીશભાઈ બચુભાઈ વસાવા,બિપીનભાઈ ચંદુભાઈ વસાવા તેમજ વિશાલ બિપીનભાઈ વસાવા ત્રણેય રહે.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.