ઝઘડિયા ખાતે રહેતા શિક્ષકે શિક્ષક કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
શિક્ષકની પત્ની ઈદ-એ-મિલાદની રજા હોય તેના બે બાળકો સાથે તેની સાસરીમાં ગઈ હતી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા કુમાર શાળા ખાતે આવેલ શિક્ષક ક્વાટર્સમાં મૂળ સિયાદા તા.ચીખલી જી.નવસારીના ધર્મેશભાઈ રઘુભાઈ ગાવિત નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.ધર્મેશભાઈના પત્ની કામીનાબેન ઝઘડીયા તાલુકાની ડમલાઈ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.
ગત તા.૨૦૧૦.૨૧ ના રોજ ઈદ-એ-મિલાદની રજા હોવાના કારણે ધર્મેશભાઈના પત્ની કામીનાબેન તેમના બે બાળકો સાથે તેમની સાસરીમાં ગયા હતા અને ધર્મેશભાઈ ઝઘડિયા ખાતેના તેમના શિક્ષક ક્વાટર્સમાં એકલા રોકાયા હતા.
ગતરોજ તા.૨૧.૧૦.૨૧ના રોજ ધર્મેશભાઈ રંગુભાઈ ગાવીતે કોઈ અગમ્ય કારણોસર તેમની જ ક્વાટર્સમાં સીલીંગ ફેન સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જતા મરણ ગયેલ હતા.ધર્મેશભાઈના પત્ની કામીનાબેને ઝઘડિયા પોલીસ મથકમાં આ બાબતે જાહેરાત આપતા જણાવ્યું હતું કે ધર્મેશભાઈ દારૂ પિવાની ટેવવાળા હતા જેથી દારૂ પી જવા કે અન્ય કોઈ અગમ્ય કારણસર જાતે જ પોતાના રૂમમાં ખુરશી મૂકી દુપટ્ટો ગળાના ભાગે બાંધી પંખા જોડે ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.