ઝઘડિયા ગામની કટલરીની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન
આગમાં કટલરી સામાન તથા રેડીમેડ કપડા મળી પાંચ લાખના નુકસાનનો અંદાજ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયાની મારૂતિ રેસિડેન્સીમાં રહેતા લાલજીભાઈ પાલ ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરીમાં ફરજ બજાવે છે.તેમના પત્ની સંગીતાબેન ઝઘડિયાના ટાવર રોડ પર આવેલ એક ભાડાની દુકાન માં કટલરી તથા લેડીઝ કપડાની દુકાન ચલાવે છે.ગઈકાલે તેઓ સાંજે આઠ વાગ્યા પછી તેમની દુકાન બંધ કરી ઘરે ગયા હતા.
ત્યારે તેમના પર દુકાન માલિકનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનમાંથી ધુમાડા નીકળે છે. દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જણાતા ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા.ઝઘડિયા જીઆઈડીસી માંથી ત્રણ જેટલા ફાયર ફાઈટરોની મદદ વડે આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ લાગવાની ઘટના પગલે કટલરીની દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો કટલરી સામાન તેમજ કપડાં લત્તા બળીને રાખ થઈ જતાં મોટુ નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાની ધટના માં ૫ લાખનું નુકસાન થવા બાબતે લાલજીભાઈ બંશીભાઈ પાલે ઝઘડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.