ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ માંથી રાત્રી ના સમયે પ્રદુષિત પાણી બહાર કાઢતા હોવાની ફરિયાદ
સ્થાનીક ગ્રામજનો દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળને કરવામાં આવી આવતા હાલ માં પણ કંપનીના પાછળના ભાગેથી વરસાદી કાંસમાં છોડાયેલું આ ગંદુ પાણી નજરે દેખાય છે.
ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.૨૩ માં આવેલ બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે. બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ એ ઝીરો ડિસ્ચાર્જ કેટેગરી માં આવે છે અને કાયદા મુજબ એમનું ગંદુ પાણી એમણે એમના પ્લાન્ટ માં ટ્રીટમેન્ટ કરી પ્લાન્ટમાં જ વપરાશ કરવાનું હોય છે.તેનો બહાર નિકાલ કરવો એ ગુનાહિત બાબત છે.બહાર ગંદુ પાણી જવાથી પર્યાવરણ ને નુકશાન થાય છે આ સિવાય આવા અન્ય કેટલાય એકમો છે.
જેઓ ઝીરો ડિસ્ચાર્જ ની પરવાનગી લઈ ને ગેરકાયદેસર બહાર નિકાલ કરતા હોય છે.જેનાથી જળ-જમીન ના પર્યાવરણ ને નુકશાન થાય છે અને માનવ સ્વાસ્થ્ય ને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ગતરોજ મોડીરાતે બ્રિટાનીયા કંપનીની પાછળ આવેલ વરસાદી કાંસ માં કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું હતું.આ બાબત સ્થાનિકોના ધ્યાને આવતા તેમણે જીઆઈડીસી મોનીટરીંગ ટીમ તથા પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલને જાણ કરી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ ના એચ.આર. મેનેજર નીનાત દેસાઈને બનાવ વિષે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા કર્મચારી ની ભૂલ ને કારણે ગંદુ પાણી બહાર ગયું છે.
અમારી આ ફૂડ ઈન્ડસ્ટ્રીઝ છે અને જે પાણી ભૂલ થી બહાર ગયું છે એ એસીડીક નથી અને હવે આવી ભૂલ ના થાય એવા પ્રયત્નો કરીશું. આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી બનાવની ફરિયાદ જીપીસીબી ને કરવામાં આવી છે.જ્યાં જીપીસીબી તરફથી તપાસ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.