ઝઘડિયા GIDCમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડાતું હોવાની બુમ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનો ઝઘડિયા તાલુકો આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે.તાલુકાના મુખ્ય મથક ઝઘડિયા નજીક આવેલ જીઆઈડીસીમાં ઘણાબધા ઔદ્યોગિક એકમો કાર્યરત છે.જ્યારે ઝઘડિયા ખાતે જીઆઈડીસી બનાવવાની જાહેરાત થઈ હતી.
ત્યારે તાલુકાની જનતામાં તાલુકાના યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તૃત બનશે એવી આશાનો સંચાર થયો હતો.જીઆઈડીસી ની રચના માટે ખેડૂતોની મહામૂલી જમીનોનો ભોગ અપાયો છે.વંશ પરંપરાગત ખેતી કરીને પરિવારનું પોષણ કરતા ખેડૂતોએ જીઆઈડીસી માટે પોતાની જમીનો વેચાતી આપી છે.
જીઆઈડીસી ની રચના બાદ તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરીને જીલ્લા સહિત રાજ્ય લેવલ પર એક ઔધોગિક વિસ્તાર તરીકે બહાર આવ્યો.ઝઘડિયાના ઔધોગિક વિકાસ બાદ સેંકડો ઉધોગો હાલ કાર્યરત છે.આટલી મોટી સંખ્યામાં ઉધોગો હોવાથી તાલુકામાં રોજગારીની ક્ષિતિજાે ખરેખર વિસ્તરવી જાેઈએ,
તેને બદલે ઉધોગ માલિકોની પરપ્રાંતિય કામદારોને પ્રાધાન્ય આપવાની વૃતિને લઇને સ્થાનિક રોજગારીની અપેક્ષાઓ પુર્ણરૂપે વિકસી શકી નથી,જે વાત સાચા અર્થમાં દુખદ ગણાય! જીઆઈડીસી ના વિવિધ એકમોમાં કામ કરતા મોટાભાગના સ્થાનિક યુવાનો કોન્ટ્રાક્ટ લેવલ પર કામ કરતા હોવાની વાતો જાણવા મળી છે.
સ્થાનિક ઉધોગોમાં સ્થાનિક યુવાનોને પુરતી તકો કેમ નથી મળતી? તાલુકાની જનતા આ પ્રશ્નનો જવાબ માંગે છે.કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોના ભવિષ્યનું શું? છે કોઇ પાસે આ પ્રશ્નનો જવાબ?તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ સભ્યો આદિવાસી, તાલુકા જીલ્લા પંચાયતના સભ્યો મોટાભાગના આદિવાસી, છતાં તાલુકાના બહુમતી આદિવાસી સમાજના યુવાનો માટે તાલુકાના ઉધોગોમાં રોજગારી માટે મોખરાનું સ્થાન કેમ નહી?
આ માટે સ્થાનિક નેતાગીરી કેમ મૌન છે?ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ઔધોગિક એકમોમાં કામ કરતા કામદારો પૈકી હાલ કેટલા સ્થાનિક યુવાનો નોકરી કરે છે અને કેટલા પરપ્રાંતિય કામદારો છે.આ બાબતે નજીકના સમયમાં જીઆઈડીસીના વહિવટી અધિકારી પાસે આરટીઆઇ હેઠળ માહિતી માંગવાનો તખ્તો ગોઠવાઇ ચુક્યો છે,
ત્યારે આ માહિતી મળ્યા બાદ દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસીના કેટલાક ઉધોગો દ્વારા અવારનવાર પ્રદુષણ ફેલાવાતું હોવાની ઘટનાઓ બનતી હોય છે.જીઆઈડીસી માં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદના પાણીની ઓથમાં આ વરસાદી કાંસોમાં કેટલાક ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી છોડાતું હોવાની ઘટનાઓ બનતી હોવાની વાતો પણ ઉદભવે છે.
આ પ્રદુષિત પાણી ખાડીમાં જતા જળચર જીવોને નુકશાન થવાની સાથેસાથે ખેતીની જમીનને પણ નુકશાન થતું હોવાની લાગણી ખેડૂત આલમમાં જણાય છે.હાલ ચોમાસું નજીકમાં છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આવી ઘટનાઓ ના સર્જાય તે માટે આગળ આવે અને કોઇ કંપની દ્વારા આવું કૃત્ય થતું જણાય તો તેના પર કડક પગલા ભરે તે જરુરી છે.