ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરનો હુમલો

મગરે કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી- ફૂલવાડી ગામની ખાડીમાં મગરે હુમલો કર્યાનો લગભગ પહેલો બનાવ બનવા પામ્યો છે
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના પાદરે થી વહેતી ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. હુમલામાં ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા શરીરના અવયવો બહાર આવી ગયા છે. મગરના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ ઘોડી ની હાલમાં સ્થાનિક પશુચિકીત્સક સારવાર કરી રહ્યા છે. ઘોડીની હાલત હાલમાં ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.
ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે રહેતા જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂત ખેતી સાથે સાથે પશુપાલન પણ કરે છે. તેમને ઘોડા રાખવાનો પણ શોખ છે. આજરોજ બપોરના સમયે તેમની એક ઘોડી ગામના પાદરમાંથી વહેતી ખાડીના કિનારે ઘાસ ચરતી હતી. બપોરના આશરે અઢી થી ત્રણ વાગ્યા ના અરસામાં ખાડીમાંથી નીકળી મગરે ઘોડી પર હુમલો કર્યો હતો. મગરે ઘોડીના પાછળના જમણા પગના થાપા પર બચકું ભર્યું હતું.
જેમાં ઘોડીના શરીરના અવયવો બહાર આવી જતા તેની હાલત ગંભીર બની હતી. હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મગરના હુમલાની જાણ ગામમાં થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘોડીની સારવાર અર્થે સ્થાનિક ચિકિત્સકને બોલાવતા તેમને તેની સારવાર હાથ ધરી હતી પરંતુ જીવન મરણવચ્ચે ઝોલા ખાતી ઘોડી ના બચવાની આશા બહુ ઓછી હોવાનું ચિકિત્સકે જણાવ્યું હતું. ઘોડી પર મગરના હુમલાના પગલે ફૂલવાડી ગામમાં મગરનો ભય ફરીથી જીવંત બન્યો છે.
ફૂલવાડી ગામમાં આ પહેલો બનાવ મગરના હુમલાનો અન્યો હશે પરંતુ છેલ્લા કેટલા માસ થી મગર ખાડીમાં દેખાતો હોઈ વનવિભાગ દ્વારા તેને ઝડપી લેવા પીંજરું મૂક્યું હતું. આ અગાઉ મગરને પકડવા ફૂલવાડી ગામની ખાડીના કિનારે પીંજરું મુકાયું હતું પરંતુ મગર હાથ આવ્યો ના હતો. આ ઉપરાંત સેલોદ, ગુમાનદેવ, નાના સાંજા, ઉચેડિયા વિગેરે ગામોમાંથી પસાર થતી ફૂલવાડી વાળી ખાડીમાં સ્થાનિકો જવાનું ટાળશે એવો મગરના ભયનો માહોલ ઉભો થયો છે.