ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વધુ એક ઘરફોડ ચોરીની ઘટના
બંધ મકાનનું તાળા તોડી સોના-ચાંદીના ૧૧ નંગ ઘરેણા મળી કુલ ૬૫ હજાર રૂપિયાની મત્તાની ચોરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના સારસા ગામે રહેતા બાલુભાઈ વસાવાનું મકાન રાજપારડી જ્યોતિ નગર ખાતે આવેલ છે જે બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ગતરોજ મોડી રાત્રે તસ્કરો ૧૧ નંગ સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૬૫ હજારની મત્તાની ચોરી કરી ગયા છે.
ઝઘડિયા તાલુકાના સારસા ગામે રહેતા શાંતિલાલ બાલુભાઈ વસાવા સારસા ગામે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે.શાંતિલાલભાઈના સસરા મરણ થયેલ હોય તેમનું મકાન જ્યોતિ નગર સોસાયટી રાજપારડી ખાતે આવેલ છે જ્યાં તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે અને હાલમાં લોકડાઉનના કારણે તેઓ રાજપારડી ખાતેના મકાનને તાળું મારી સારસા રહેવા જતા રહ્યા છે.
ગત ૧૭ મીના રોજ શાંતિલાલભાઈ તેમની પત્ની સાથે રાજપારડી ખાતે આવેલ મકાનની સાફ સફાઈ કરવા માટે ગયા હતા સાફ સફાઈ કર્યા બાદ તાળુ મારી તે સારસા ગામે જતા રહ્યા હતા. આજે વહેલી સવારે તેમની પાડોશીનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે તમારા ઘરના તાળા તુટી ગયા છે અને તમારા ઘરમાં ચોરી થયેલ હોવાનું જણાય છે. જેથી શાંતિલાલભાઈ તેમની પત્ની સાથે રાજપારડી ખાતેના મકાને ગયેલા જ્યાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દરવાજાની લોખંડની જાળીને મારેલ તાળું નકુચા સાથે તોડી નાખેલ અને તિજોરીનું હેન્ડલ પણ તોડી નાખેલ અને સામાન વેર વિખેર પડયો હતો.
જેમાં ૧૧ નંગ અલગ-અલગ સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૬૫ હજાર રૂપિયાની મત્તાની ચોર ઈસમો ચોરી કરી ગયા હતા.ચોરીની ઘટના બાબતે શાંતિલાલ ભાઈ બાલુભાઈ વસાવાએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.