ઝઘડિયા તાલુકામાં ૧૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
અવિરત વરસતા વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર સીધી અસર પડી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ભાદરવા માસમાં અને સપ્ટેમ્બરના અંતમાં ગુલાબ વાવાઝોડાના કારણે વરસાદ જાેર પકડી રહ્યો છે જેથી તાલુકા વાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધીમાં ઝઘડિયા તાલુકામાં વરસાદે જળાઘાત કર્યો હોય તેમ પાંચ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૧૫ કલાકમાં થાબકી ગયો છે.
મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારે સૂસવાટા મારતા પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસેલા તોફાની વરસાદથી તાલુકાભરમાં પાણી જ પાણી થઇ ગયું હતું અને નદી નાળા છલકાઈ ગયા હતા અને જન જીવનને અસર પહોચી હતી.સરદાર પ્રતિમા માર્ગ પર પણ પાણી પાણી થઈ જતા વાહન વ્યવહારને સીધી અસર થઈ હતી.
ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થતી બ્રોડગેજ રેલવેના બનાવેલા અંડરપાસમાં ખરચી, કપલસાડી, ઉચેડીયા,રાણીપુરા, અવિધા, સારસા, રાજપારડી, અછાલીયા જેવા ગામો માંથી બહાર નીકળવું તથા ગામમાં પ્રવેશવુ અંડરપાસમાં પાણીના ભરાવાના કારણે શક્ય બન્યું હતું.ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લીધા વગર બનાવેલા અંડરપાસના કારણે તાલુકાવાસીઓ વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે.
ભાદરવામાં વરસતા વરસાદના કારણે ખેતીમાં ફાયદો થવાની સાથે સાથે ખેડૂતો નુકસાન પણ જાેઈ રહ્યા છે.અવિરત વરસતા વરસાદના કારણે કેટલા ચોમાસુ પાકને પણ નુકસાન થવાની શક્યતા ખેડૂતો જાેઇ રહ્યા છે.ગતરોજ સાંજથી જ વરસતા વરસાદના કારણે તાલુકાની કેટલીક શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાયા હતી.
વરસાદના કારણે વીજળી પણ કલાકો સુધી ડુલ થવા પામી હતી જેના કારણે મોબાઈલ નેટવર્ક પણ બંધ થઈ ગયા હતા.આ લખાય છે ત્યારે પણ આકાશ વાદળછાયુ છે અને થોડી થોડી વારે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે.રાજપારડી પંથકમાંથી પસાર થતી માધુમતિ નદીના ઉપરવાસ અને હેઠવાસમાં ભારે વરસાદના કારણે માધુમતિ નદી પરના ધોલી ડેમમાં પાણીની આવક વધી રહી છે
અને આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે ત્યારે ધોલી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના રહેલી છે તેને લઈને તંત્ર દ્વારા માધુમતિના કાંઠા વિસ્તારના ધોલી,રઝલવાડા,બીલવાડા,કાંટોલ, મોટાસોરવા, કપાટ, તેજપુર, હરિપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુરા વિ.ગામોના લોકોને ખાડીમાં અવરજવર ન કરવા તેમજ ઢોરોને ખાડીમાં ન લઈ જવા સાવચેત કરવામાં આવ્યા છે.
ચોમાસાના આગલા મહિનાઓમાં વરસાદની જે કમી અનુભવાઈ રહી હતી તે ભાદરવો ભરપુર બનીને સીઝનનો મોટાભાગનો વરસાદ હાલમાં નોંધાઈ ચુક્યો છે.વરસાદના આગમને આગામી ઉનાળામાં સંભવિત પીવાના પાણીની અને પશુઓ માટેના ઘાસચારાની સમસ્યાથી છુટકારો મળ્યો છે.
ઝઘડિયા તાલુકા સહીત નર્મદા જીલ્લામાં ડુંગર વિસ્તારમાં અવિરત વરસાદ વરસતા ઝઘડિયા નજીક ના ધોલી ડેમ માં પાણી મોટી આવક થઈ છે જેના પગલે ડેમ? છલોછલ ભરાઈ ગયો છે.