ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારમાં પૂર બાદ મોટા પાયે જમીન ધોવાણ થયું

નર્મદા નદીના પ્રવાહથી ધોવાણ થઈ રહ્યું છે તથા ઉચેડીયાની ખાડીથી પણ મોટાપાયે રાણીપુરાની સીમમાં ધોવાણ-ઝઘડિયાના રાણીપુરાની મોરા વગા તથા જરાત વગામાં મોટા પાયે પૂરના પાણી ઓસર્યા બાદ જમીન ધોવાઇ ગયેલ છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ મોટા પાયે જમીન ધોવાણ થયુ હોવાનું જણાય રહ્યું છે.રાણીપુરા ગામની મોરા વગાની, જરાત વગાની સીમના ખેતરો માં ઉચેડીયાની ખાડી થી, નર્મદા નદીના પ્રવાહથી તથા ભરતીના સમયે મોટું ધોવાણ થઈ રહ્યું છે.છેલ્લા દસ વર્ષમાં ૪૦૦ વિંઘા થી વધુ ખેતરોની જમીનનું ધોવાણ થયું છે.
સરદાર સરોવર ડેમની નીચેની નાંદોદ તાલુકો ઝઘડિયા તાલુકો તથા અંકલેશ્વર તાલુકાની નર્મદા કિનારાની જમીન પહેલા સોનાની લગડી કહેવાતી હતી પરંતુ આ વાત છેલ્લા પંદર થી વીસ વર્ષોમાં ખોટી સાબિત થઈ રહી છે.નર્મદા કાંઠાના નાદોદ, ઝઘડિયા અને અંકલેશ્વર તરફના કિનારા પર મોટા પાયે નર્મદા નદીના પ્રવાહથી નર્મદામાં આવેલ પૂરના કારણે તથા ભરતી આવવાના સમયે મોટા પાયે ખેતીની જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે.જેમાં સૌથી વધુ ધોવાણ આજ પટ્ટા પર લાગી રહ્યું છે.
![]() |
![]() |
છેલ્લા ૧૫ વર્ષોમાં રાણીપુરા ગામની સીમમાં ઊચેડીયાની ખાડી તથા નર્મદાના કિનારાના ખેતરમાં ૪૦૦ વીંઘાથી વધુ જમીન ધોવાણ થઈ નર્મદામાં તથા ખાડીમાં જતી રહી છે.છેલ્લા કેટલાક વર્ષોથી રાણીપુરા ગામની સીમની જમીન નર્મદા તથા ઉચેડીયાની ખાડીના પ્રવાહના કારણે તથા ભરતી આવવાના કારણે ધોવાઇ રહી છે.પરંતુ આટલા સમય બાદ પણ જવાબદાર વહીવટીતંત્ર દ્વારા જમીન ધોવાણ બાબતે ખેડૂતોને મદદ કરી નથી અને દર વર્ષે થતા ધોવાણને અટકાવવા કોઈ યોજના પણ બનાવી નથી. ઝઘડિયા મઢી ખાતે પ્રોટેકશન વોલ બનાવી ત્યારે રાણીપુરા તરફના છેડે તથા લાડવાવડ તરફના છેડે પણ પ્રોટેકશન વોલ લંબાવવાનું આયોજન થયું હતું
પરંતુ તે આયોજન ફક્ત કાગળ પર જ રહી જતા હાલમાં નર્મદા નદીના પૂરના પાણી ફરીને ઝઘડિયાના ભાઠા વિસ્તારમાં પણ ઘૂસી ગયા હતા અને નર્મદા કિનારે આવેલ મઢી આશ્રમના મુખ્ય મંદિર ખાતે પાંચ ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો હતો.જો સમયસર ઝઘડિયા મઢીના બંને કિનારા તરફ ની પ્રોટેકશન વોલ બની હોત તો મહદંશે પાણીના ભરાવાને ઘટાડી શકાયો હોત પરંતુ નેતાઓના વાયદા એ વાયદા જ રહ્યા છે.ચાલુ સાલે આવેલા પૂરના પાણી ચાર દિવસ સુધી વધી રહ્યા હતા પરંતુ પાણી બે જ દિવસમાં ઝડપથી ઓસરી જતા જમીનનો તથા ખેતરોનું મોટાપાયે ધોવાણ થયું છે.સત્વરે ભરૂચ, નર્મદા જીલ્લા જમીન ધોવાણ શાખા રાણીપુરા સહીત નાંદોદ,ઝઘડિયા,અંકલેશ્વર તાલુકાના ગામનો સર્વે કરી ખેડૂતોની મદદે આવે તેમ જમીન ધોવાણ નો ભોગ બનેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે.