ઝઘડિયા પોલીસ મથક માટે ફાળવાયેલ જમીનમાં થયેલ દબાણો ઝઘડિયા પોલીસે દૂર કર્યા
હાઈડ્રા,જેસીબી મશીનરી કામે લગાડી ૪૦થી વધુ કાચી પાકી કેબિનો,દુકાનો હટાવી ફાળવાયેલ જમીન ખુલ્લી કરવામાં આવી |
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથક માટે ઝઘડિયા ચોકડી પર સરકાર દ્વારા ફાળવાયેલ જમીનો પર લારી ગલ્લા કેબિનો ના માલિકો દ્વારા દબાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસે નોટિસ આપી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવા જણાવ્યું હતુ.નોટિસમાં દુકાનદારોને સમય આપ્યા બાદ પણ કેટલાક કેબિનો નહિ હટાવતા આજ રોજ ઝઘડિયા પોલીસે મશીનરી કામે લગાડી તમામ દબાણો દૂર કરી ફાળવાયેલ જમીન ખુલ્લી કરી હતી.નોટિસ મળ્યા બાદ પણ કેટલાક કેબીન માલિકો દ્વારા નહિ હટાવાયેલ કેબિનો પોલીસે હટાવી જપ્ત કરી લીધી છે.
ગ્રામ પંચાયત ઝઘડિયા દ્વારા કેટલાક વર્ષો પહેલા ઝઘડિયા પોલીસ મથક બનાવા માટે ઝઘડિયા ચોકડી પર વિજય ક્લબ વાળી જગ્યા ફાળવવામાં આવેલ હતી.ગત માસે જીલ્લા પોલીસ અધિક્ષકના પોલીસ મથક ઈન્સ્પેકશન દરમ્યાન પોલીસ રહેણાંક વિસ્તાર અને પોલીસ મથક માટે ફાળવાયેલ જમીનનું નિરીક્ષણ જીલ્લા અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ લાઈનમાં જવા માટેના રસ્તા અને ફાળવાયેલ જમીનમાં મોટા પાયે લારી ગલ્લા અને કેબિનો મૂકી દબાણ કરવામાં આવ્યું હતું તે ધ્યાને આવતા ઝઘડિયા પોલીસ દ્વારા લારી ગલ્લા કેબિનોનાં માલિકોને દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને સ્વૈચ્છીક લારી ગલ્લા કેબિનો હટાવી લેવા માટે જણાવાયુ હતુ.નોટિસ આપ્યા બાદ પણ કેટલાક લારી ગલ્લા કેબિનો નહિ હટાવામાં આવતા આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.દબાણ હટાવાની કામગીરી દરમિયાન લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.હાઈડ્રા જેસીબી જેવી મશીનરી કામે લગાડી દબાણો હટાવાયા હતા અને પોલીસ મથક માટે ફાળવાયેલ જમીન પર થયેલ દબાણ અને ચોકડી થી ટાવર રોડ,બજાર, ડેપો, કોર્ટ ને જોડતા મુખ્ય રોડ પર ના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.નોટિસ આપ્યા બાદ પણ પોતાના કેબિનો નહિ હટાવનાર માલિકોની કેબિનો પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. ઝઘડિયા ચોકડી થી અંબાજી મંદિર, એસટી ડેપો, કોર્ટ વાળા ગામના મુખ્ય રોડ પર મોટા પાયે દબાણો ઉભા થયા છે.આ દબાણોના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઇ છે.આવા દબાણોના કારણે ઝઘડિયા ચોકડીથી ટાવર રોડ,બજાર થઈ જતી એસટી બસ વન વે કરવામાં આવી છે.આ દબાણોના કારણે ઘણી સમસ્યા ઉભી થઈ રહી છે.આવનારા દિવસોમાં ચોકડી થી લઇ ટાવર રોડ,બજાર,અંબાજી મંદિર સુધીના તમામ દબાણો દૂર કરવાનો એક્સન પ્લાન જવાબદાર વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે.આગામી પંદર દિવસ દરમિયાન ચોકડી થી કોર્ટ રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવનાર છે.*