ઝઘડિયા GIDCમાંથી ક્રાઈમ બ્રાન્ચે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે
૨.૩૭ લાખની ૨૩૭૬ નંગ બોટલ,બોલેરો પીકઅપ, બાઇક, મોબાઇલ મળી ૬.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસી માંથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલનો રહેવાસી અને કુખ્યાત બુટલેગર સતીષ ચંદુભાઈ વસાવા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીની બાજુમાં રાખનાર છે.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે છાપો મારી વાહનો તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનો મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો.
જીલ્લા ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બનાવટની તથા બિયર ટીન મળી કુલ ૨૩૭૬ બોટલ જેની કિંમત ૨,૩૭,૬૦૦ તથા એક મહિન્દ્રા બોલેરો પીકપ, એક બાઈક તથા મોબાઈલ મળી ૬,૬૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જીલ્લા ક્રાઈમ બ્રાન્ચે છાપામારી દરમ્યાન ઝડપાયેલ રવિદાસ કાભાઈ વસાવા રહે.લીંગસ્થળી તા. ડભોઇ તથા રેડ દરમિયાન નાસી ગયેલ આરોપીઓ તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સતીષ ચંદુભાઈ વસાવા રહે. નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.