ઝઘડિયા GIDC દ્વારા સંપાદન થયેલ જમીનમાં કોન્ટ્રાકરો દ્વારા ગેરકાયદેસર રીતે લેબરોને રાખવામાં ઝુંપડા ઉભા કર્યા

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસી દ્વારા સંપાદન થયેલ જમીનમાં કેટલાક કોન્ટ્રાકરો દ્વારા ગેરકાયદેસર રીતે તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબરો અને તેના પરિવારો માટે ઝુપડપટ્ટી ઉભી કરી જીઆઈડીસીની જમીન પર અડિંગો જમાવી દીધો છે.આ બાબતે જેતે કોન્ટ્રાકટરો દ્વારા જીઆઈડીસી પાસેથી કોઈ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર લેબરોને રાખવામાં આવતા હોઈ તેમની સામે નામ માત્રની પણ કાર્યવાહી જવાબદાર તંત્રએ કરી હોઈ તેમ લાગતું નથી.
ત્રણ દાયકા પહેલા ઝઘડિયા તાલુકાના નવ જેટલા ગામોની ખેતી લાયક જમીનો ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંપાદન કરવામાં આવી હતી. છેલ્લા ત્રીસ વર્ષોમાં અહીં જોઈએ તેટલા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયા નથી.જીઆઈડીસી દ્વારા તમામ સંપાદન થયેલ જમીનો નું પ્લોટીંગ થયું છે
પરંતુ હજુ સુધી આશરે ૮૦ જેટલા જ નાના મોટા ઉદ્યોગો સ્થપાયા છે.ટૂંકમાં કહીએતો ખુબ ધીમી ગતિએ ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. સંપાદિત થયેલ જમીનોમાં મોટા પાયે જમીન એમજ પડી છે જેનો મોટાપાયે દુરુપયોગ થઇ રહ્યો છે જેનાથી જીઆઈડીસી તંત્ર અજાણ નથી ! નાના મોટા કોન્ટ્રાકટરો દ્વારા આવી ખુલ્લી પડેલ જગ્યા અથવાતો તે કોન્ટ્રાક્ટરનું જે નવા આવેલ પ્રોજેક્ટમાં કામ ચાલતું હોઈ તેની આજુબાજુની જગ્યાઓમાં ગેરકાયદેસર રીતે ઝુપડપટ્ટી વસાવી લેબરો અને તેના પરિવારોને રાખવામાં આવે છે જે અત્યંત જોખમી છે.
હાલમાં સેન્ટ ગોબિન કંપની સામે આવેલ જીઆઇડીસીની ખુલ્લી જગ્યામાં (પ્લોટ નં. ૮૩૦/૧૦-૧૧-૧૨ ની બાજુમાં) એક કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ગેરકાયદેસરની ઝુપડપટ્ટી બનાવી તેના કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબરોને રાખી રહ્યો છે.આ ઝૂંપડપટ્ટીની ઉપરથી હાઈટેન્શન વીજ વાયરો પસાર થાય છે જે અકસ્માત થાય તો જીવલેણ સાબિત થાય એમ છે. જાણવા મળતી માહિતી મુજબ આવા ગેરકાયદેસર લેબરોને ઝુપડપટ્ટી બનાવી રાખતા કોન્ટ્રાકટરો સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી, નોટીસ આપવામાં આવે છે
પરંતુ જેની સામે દંડનાત્મક પગલાં ભરાતા નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. જીઆઈડીસીમાં લાલિયા લોલ ને વાગે ઢોલ જેવી પરિસ્થિતિ છે.ગેરકાયદેસર વસવાટ કરાવતા લેબરોને તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદેસરની જમીનમાં વસવાટ કરાવવામાં આવે અને તેમને જરૂરિયાત મુજબની સુવિધાઓ આપવામાં આવે તે ઈચ્છનીય છે.