ઝઘડિયા GIDC નજીકના ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલ કેમિકલના સેમ્પલ FSLમાં મોકલાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/000-scaled.jpeg)
એલસીબી દ્વારા ૬૦૦ લીટર કેમિકલ ફાર્મ હાઉસ પરથી કબજે કર્યું હતું : ફાર્મ હાઉસના માલિકની અટકાયત બાદ જામીન પર છૂટકારો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઝઘડીયા જીઆઈડીસી નજીકના ફાર્મહાઉસ પરથી જીલ્લા એલસીબી દ્વારા કેમિકલ ઝડપી પાડયુ હતુ.ઝડપાયેલ કુલ ૬૦૦ લીટર કેમિકલના સેમ્પલ લઈ ચકાસણી અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.અટકાયત કરાયેલા ફાર્મહાઉસના માલિક નો જામીન પર છુટકારો થયો છે.
ગત શનિવારના રોજ ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા ઝઘડીયા જીઆઈડીસી નજીકના કપલસાડી અને ફૂલવાડી વચ્ચે આવેલા કે.જી.એન ફાર્મ હાઉસ પર થી ત્રણ ડ્રમ કેમિકલના બાતમીના આધારે છાપો મારી જપ્ત કર્યા હતા.ઝડપાયેલ કુલ ૬૦૦ લીટર કેમિકલ બાબતે ફાર્મ હાઉસ પર હાજર તેના માલિક નાસીરખાન બશીરખાન પઠાણને પૂછતાછ કરતા તેના કોઈ આધાર પુરાવા અથવા બિલ નહીં મળતા તેની અટકાયત કરવામાં આવી હતી.
ફાર્મહાઉસ પર થી કેમિકલ મળવાની ઘટનામાં તપાસ કરનાર અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર પી.એચ.વસાવા એ જણાવ્યું હતું કે ફાર્મહાઉસ પર થી ઝડપાયેલ કેમિકલના ત્રણ ડ્રમના સેમ્પલ લઈ તેની ચકાસણી અર્થે એફ.એસ.એલ મા મોકલી આપવામાં આવ્યા છે.ફાર્મહાઉસના માલિક ફાર્મ હાઉસ માંથી મળેલ કેમિકલ બાબતના કોઈ પુરાવા અથવા બિલ રજૂ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.