ઝઘડીયાથી પસાર થતા સરદાર પ્રતિમાં રોડને અડીને આવેલ ગટરનો સ્લેબ વર્ષોથી તૂટેલી હાલતમાં
સ્થાનિક વહીવટીતંત્ર અકસ્માતની રાહ જોઇને બેઠું હોય તેમ ફલીત થાય છે.
આ ગટર ઉપર રહીને સોસાયટીમાં જવાનો રસ્તો છે તથા સામે એક બેંક આવેલી હોય અકસ્માતની દહેશત રહે છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા નગરમાં જનતાને સુવિધાનો લાભ મળવા કરતાં અસુવિધાનો કડવો અનુભવ વધુ થઈ રહ્યો છે,જે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ સુએજ ગટર લાઈનના વારંવાર થતાં લીકેજ અને તેને જવાબદાર તંત્ર દ્વારા સમયસર સમારકામ નહીં થવા પરથી ફલિત થાય છે. ઝઘડિયામાંથી સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે.ઝઘડિયા ચાર રસ્તાના જૈન ગુરુકુળથી ઝઘડિયા ચોકડી પાસ થયા બાદ સુધી રોડની બન્ને તરફ એક પાકી મોટી સિમેન્ટ કોન્ક્રીટની વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન કેટલા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી.
બેંક ઓફ બરોડા સામે ગોકુલ નગર સોસાયટીમાં જવાના રસ્તા પર ત્રણ જગ્યાએ ગટરનો સ્લેબ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તૂટી ગયો છે.બેંકમાં રોજના આવતા હજારો ગ્રાહકો તથા ગોકુલનગરમાં આ ગટર લાઈન ઓળંગીને જતા રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્લેબ તુટી જવાના કારણે વાહન ચાલકોને ગટરમાં પડવાનો ડર સતાવી રહ્યો છે
તેમજ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.સત્વરે આ કોન્ક્રીટની ગટર લાઇનનો સ્લેબ રીપેર કરી તેમાં પડેલ બાકોરુ બંધ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો તથા બેંકમાં આવતા ગ્રાહકોની માંગ છે.