ઝઘડીયાના ગોવાલી ગામે સરકારી હોર્ડિંગ લગાવતી વેળા ખાનગી એજન્સીના ૩ કામદારોને કરંટ લાગતા એક નુ મોત
કોરોનાની જાગૃતી બાબતનું હોર્ડિંગ પંચાયત નજીક લગાવતી વેળા ડીજીવીસીએલની લાઈન પર કરંટ લાગ્યો.
ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ ખાતે પંચાયત નજીક સરકારી જાહેરાતના હોર્ડિંગ લગાવતી વેળા ખાનગી એજન્સીના ત્રણ કામદારોને કરંટ લાગ્યો હતો તે પૈકી એક કામદારનુ મોત થયુ છે.
ભરૂચ જીલ્લા ના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયત પાસે આવેલ ડી.પી પાસે હોર્ડીંગના બોર્ડનું ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું.જેમાં કામગીરી દરમીયાન વિજકરંટ લાગતા ત્રણ કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ ખાતે લવાયા હતા.જયાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાની મળતી માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના ગોવાલી ખાતે ગ્રામ પંચાયત નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર પાસે એક હોર્ડીંગ માટે બોર્ડ ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું.
દરમિયાન સાંજે ૬.૪૪ કલાક આસપાસ કામગીરી સમયે હોર્ડીંગ લગાવવા જતા વાયર પાસેના વિજટ્રાન્સફોર્મર ને અડી જવાના પગલે કામ કરી રહેલ ત્રણ કામદાર શૈલેષ શગપુરી ગૌસ્વામી,ઉ.વર્ષ.૨૫ તથા કાનાભાઈ મસાભાઈ ભીલ,ઉવર્ષ.૨૦ અને રાહુલ બચ્ચન બિહારી, ઉ.વર્ષ ૨૦ તમામ રહેવાસી હાલ સુરતને વિજકરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેમને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.
જયાં સારવાર દરમિયાન રાહુલ બિહારીનું મોત નીપજ્યું હતું.ઘટનાના પગલે કામદારોમાં શોકનું મોજું છવાયું હતું.આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.