ઝઘડીયાના ઢૂંઢા ગામે હરિયાણાથી આવેલ કન્ટેનર ભરેલ વિદેશી દારૂ ઉમલ્લા પોલીસે ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા પંથકમાં મોટાપાયે સ્થાનિક કક્ષાએ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ થઇ છે જે આજે ઉમલ્લા પોલીસે ઝડપેલ વિદેશી દારૂના કન્ટેનર પરથી સાબિત થાય છે.ઉમલ્લા પોલીસને બાતમી હતીકે ઉમલ્લા નજીકના ઢૂંઢા ગામની સીમમાં હરિયાણાથી કન્ટેનર ભરીને વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે.બાતમીના આધારે ઉમલ્લા પોલીસે ઢૂંઢા ગામની સીમમાં છાપો માર્યો હતો જેમાં બે કાર તેના પાયલોટીંગમાં હતી તેના ચાલકો કાર મૂકી ભાગી ગયા હતા.પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અને કલીનરને ઝડપી લઈ કન્ટેનરમાં તપાસ કરી હતી જેમાં અધધ વિદેશી દારૂ ભરેલો હતો.પોલીસે કુલ વિદેશી દારૂના ૧૯૭ બોક્સ જેમાં અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી ૮૬૬૪ બોટલ, કન્ટેનર, બે કાર, બે મોબાઈલ, રોકડા રૂપિયા ઝડપી પડ્યા હતા.ઝડપાયેલ વિદેશી દારૂના ૧૯૭ બોક્સ ની કિંમત ૯,૪૫,૬૦૦, કન્ટેનરની કિંમત ૧૫,૦૦,૦૦૦, બે કારની કિંમત ૧૧,૦૦,૦૦૦, બે મોબાઈલની કિંમત ૧૦,૦૦૦ અને રોકડા રૂપિયા ૮૦૦૦ મળી કુલ ૩૫,૬૩,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
ઉમલ્લા પોલીસે કન્ટેનર ચાલક જસવંતસિંહ બાપુસિંહ રાજપૂત રહે, ચીકોલા, તા ભીંડ, જિલ્લો.રાજસમંદ, રાજસ્થાન તથા કન્ટેનરના ક્લીનર રાજેન્દ્રસિંહ દુતાસિંહ રાજપૂત રહે, રાયપુર, તા. મારવાડ, જિલ્લા. પાલી, રાજસ્થાન ની ધરપક કરી તેમની સામે ફરિયાદ દાખલ કરી વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે અને ક્યાં ક્યાં બુટલેગર ને સપ્લાય કરવાનો હતો તેની પુછ પરછ હાથધરી છે.
ઝઘડીયા તાલુકા જેવા વિસ્તારમાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે જે ખરેખર એવું સૂચવે છે કે જિલ્લામાં ક્યાંક ને ક્યાંક એવા છીંડા છે જ્યાંથી આવા ગેરકાયદેસર ના કારનામાને અંજામ આપવામાં આવે છે.*