Western Times News

Gujarati News

ઝઘડીયાના નાનાસાંજા ગામે મોપેડ લઈ ઉભેલા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા.

અકસ્માતમાં તેમની સાથે ઉભેલી એક અન્ય મહિલા પણ ટ્રકની અડફેટે આવી જતા મોપેડ સવાર મહિલાનું સ્થળ પર મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે.

સરદાર પ્રતિમાને જોડતા હાઈવે પર જરૂરિયાત વાળી જગ્યાએ સ્પીડ બ્રેકર નહિ મુકતા અકસ્માતની ભરમાર.

(વિરલ રાણા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામ પાસે નોકરી પર જવા માટે નીકળેલા અને અનુપમ નગર સોસાયટી પાસે રોડની સાઈડમાં ઉભેલા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા છે સાથે સાથે દંપતી સાથે ઉભેલી અન્ય એક મહિલાને પણ અડફેટે લેતા મોપેડ પર સવાર મહિલાનું ઘટના સ્થેળે મોત થયું છે જયારે બે ઈજાગ્રસ્ત થયા છે.

ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતા અને મૂળ ભરૂચ જિલ્લાના દેરોલ પાસેના માંઢલા ગામના વતની વિનોદભાઈ પરમાર અને તેમના પત્ની સરસ્વતીબેન પરમાર ગુજરાત બોરોસીલ કંપનીમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે વિનોદભાઈ તથા તેમની પત્ની તેમનું મોપેડ લઇ નાનાસાંજાથી કંપની પર જવા નીકળ હતા ત્યારે તેઓ ગામની અનુપમ નગર સોસાયટીના ગેટ પાસે રોડની સાઈડ પર ઉભા રહી કૈલાશબેન રાજેશભાઈ વસાવા સાથે વાત કરી રહ્યા હતા.

ત્યારે ગોવાલી તરફથી આવી રાજપારડી તરફ જતા એક ટ્રક ચાલકે તેનું વાહન બે ફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડમાં ઉભેલા વિનોદભાઈ, સરસ્વતીબેન અને તેમની સાથે ઉભેલા કૈલાશબેન ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમાં ત્રણેય ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.સરસ્વતીબેનને વધુ ઈજાઓ થતા તેમનું ઘટના સ્થેળેજ મોત થયું હતું જયારે વિનોદભાઈ પરમાર અને કૈલાશબેન વસાવાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક લઈ ભાગી ગયો હતો.અકસ્માતનો ભોગ બનનાર વિનોદભાઈ પરમારે ઝઘડીયા પોલીસ મથકમાં ટ્રક ચાલાક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.