ઝઘડીયાના માલજીપુરા ખાતે ૯૩,૪૦૦ના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા
અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા કવાયત હાથ ધરવામાં આવી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના ધારોલી નજીકના માલજીપુરા ગામે એક ઘરના વાડામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા મળેલ સુચના અંતર્ગત ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને બાતમી મળી હતી
કે માલજીપુરા ગામનો અજીત ઉર્ફે લાલો મંગળભાઈ વસાવા પોતાના ઘરની પાછળના વાડામાં ઈંગ્લીશ દારૂ વેચાણ કરવા માટે લાવેલ છે. પોલીસે બાતમી મળ્યા મુજબના સ્થળે છાપો મારતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ.૯૩,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
પોલીસે આ મુદ્દામાલ સાથે (૧) મનીષ નગીનભાઈ વસાવા રહે.ધારોલી તા.ઝઘડીયા (૨) જસ્ટીન વિલ્સન વસાવા રહે.દરિયા તા. ઝઘડીયાને ઝડપી લીધા હતા.જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મનાતા અન્ય પાંચ ઈસમો વનરાજ ઉર્ફે રાજા ભુરીયો ભરતભાઈ આર્ય રહે.ડેડીયાપાડા જિ.નર્મદા, મનીષ કાંતિભાઈ વસાવા રહે.દોલતપુર તા.નેત્રંગ,??
અજીત મંગળભાઇ વસાવા રહે. માલજીપુરા તા.ઝઘડીયા, વેગેનાર ગાડીનો ચાલક (જે ગાડીનો રજી.નંબર જણાયેલ નથી) તેમજ અન્ય એક ફોર વ્હિલ ગાડીનો ચાલક (ગાડીનો રજી.નંબર જણાયેલ નથી) આ પાંચ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.ઝઘડીયા તાલુકામાં પોલીસની રેઈડ દરમ્યાન ઉપરાછાપરી દેશી વિદેશી દારુ ઝડપાતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.