Western Times News

Gujarati News

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ ઉપર બે ઈસમોનો હુમલો.

જુના આમોદ ગામની સીમમાં જમીનમાં રસ્તો આપવાના ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા અશ્વિનભાઈ શાંતિલાલ વસાવા છેલ્લા બે મહિના થી માલીપીપર ગામે એક સિલિકા પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.ગત તા.૨૪ મીના રોજ સાંજના સાડા સાતના સમયે અશ્વિનભાઈ ઘરેથી માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા.સિલિકા પ્લાન્ટ બંધ થયા બાદ રાતના સાડા બારના અરસામાં તેઓ ચા પીને પ્લાન્ટમાં રાઉન્ડ મારવા ગયા હતા.

તે દરમ્યાન બે ઈસમો અશ્વિનભાઈ ઉપર હુમલો કરીને તેમને માર મારવા લાગ્યા હતા.અશ્વિનભાઈએ આ ઈસમોને જોતા આ બે ઈસમો પૈકી એક જુના આમોદ ગામનો શૈલેષભાઈ કિશોરભાઈ વસાવા અને તેની સાથે આવેલ ઈસમ મંગાભાઈ બાધરભાઈ વસાવા હતા. શૈલેષના હાથમાં ધારિયું હતું.તેણે અશ્વિનભાઈને ડાબા પગમાં ઘુંટણના નીચે ધારિયાનો હાથો મારી દીધો હતો તેમજ માથાના ભાગે અને હાથના ભાગે ધારિયાના ઝટકા માર્યા હતા.

બીજા ઈસમ મંગાભાઈ બાધરભાઈ વસાવાએ અશ્વિન સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો.આ હુમલામા અશ્વિનભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ અશ્વિનભાઇની જુના આમોદ ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં શૈલેષ વસાવાની જમીન પણ આવેલી છે.

શૈલેષ અશ્વિનભાઈની જમીન માંથી રસ્તો કાઢવાનું કહેતો હોઈ, રસ્તા બાબતે બન્ને વચ્ચે તકરાર ચાલ્યા કરે છે, તે વાતની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું.ઘટના સંદર્ભે અશ્વિનભાઈ શાંતિલાલ વસાવા રહે.નવા માલજીપુરા (સારસા ડુંગરવાળું) તા.ઝઘડીયાનાએ શેલેષભાઈ કિશોરભાઈ વસાવા તેમજ મંગાભાઈ બાધરભાઈ વસાવા બન્ને રહે.ગામ આમોદ, તા.ઝઘડીયા જી.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.