ઝઘડીયાના સારસા ગામે માધુમતિ ખાડીમાં ગેરકાયદે ખનન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતિ ખાડી માંથી લાંબા સમયથી આડેધડ થતાં રેતખનન ના કારણે આ નાની ખાડીમાં ઉંડા ખાડા પડી રહ્યા છે.આ ખાડાઓમાં ગામના પશુઓ તેમજ બાળકો ડુબવાની સંભાવનાઓ પણ રહેલી છે.
ઉલ્લેખનીય છેકે અત્રે ખાડીમાં નાવડી મુકીને તેના દ્વારા રેતી ઉલેચાય છે.નાવડી દ્વારા રેતખનન કરવું ગેરકાયદેસર હોવા છતાં સરેઆમ સરકારી નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાની વાતો સામે આવી છે. આ લીઝ ધારક કાયદેસર લીઝ ચલાવે છેકે આડેધડ કોના બાપની દિવાળી એ મુજબ રેતી ઉલેચાય છે એ બાબતે ગ્રામજનોમાં પ્રશ્નાર્થ સર્જાયેલો દેખાય છે.
અગાઉ પંચાયત સભ્યોને લીઝ ધારકે પૈસા આપ્યા હોવા બાબતના આક્ષેપો થતાં મોટો હોબાળો થયો હતો.રોજ મોટા જથ્થામાં રેતી ઉલેચાતી હોઇ આ નાની ખાડીમાં પડતા ખાડાઓના કારણે કોઇવાર જીવલેણ ઘટના બનશે તો તેને માટે કોણ જવાબદાર ગણાશે ભુતકાળમાં નર્મદા નદીમાં પડેલ મોટા ખાડાઓમાં ચાર બાળકો ડુબી જવાની ઘટના બની હતી.
સારસાની માધુમતિ ખાડીમાં આડેધડ નાવડી મુકીને રેતી ઉલેચાતી હોવા છતા તાલુકાના અધિકારીઓ તેમજ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખામોશ બેઠા હોવાથી રેત ખનનમાં તેમની મિલિભગતની શંકા જાગે છે.
સારસાના ઘણા જાગૃત નાગરીકો આ બાબતે રોષમાં હોવાની વાતો પણ સામે આવી છે,
છતાં તાલુકા જિલ્લાના અધિકારીઓ કેમ ચુપ છે એ પ્રશ્ન તાકીદે જવાબ માંગી રહ્યો છે.નાની ખાડી માંથી રોજ અસંખ્ય ટ્રકો ભરીને રેતીનો ગેરકાયદેસર ધંધો થઇ રહ્યો છે. આ બાબતે જીલ્લા ભુસ્તર વિભાગને ગેરકાયદેસર રીતે રેતી ખનન થતી હોવાના ફોટોગ્રાફ તથા વિડિયો બતાવી તથા પ્રાંત અધિકારી ને રજુઆત કરવામાં આવી છે
છતાં ભુસ્તર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી, સંબંધિત અધિકારીઓ તાકીદે આ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ હાથ ધરીને સારસા ગામની માધુમતિ ખાડીમાં થતું ગેરકાયદેસર રેત ખનન બંધ કરાવે તે જરુરી બન્યુ છે.