ઝઘડીયામાં GIDCની જગ્યામાં ૫૦થી વધુ નીલગીરીના ઝાડ ઉભા બળી ગયા
નીલગીરીના ઝાડને ગેસ લાગવાથી અથવા તો કોઈ પ્રદૂષિત પાણીથી બળી ગયા છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા જીઆઈડીસીમાં અવાર-નવાર વરસાદી કાંસમાં વરસાદી માહોલનો લાભ લઈ પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવે છે તથા ભેજવાળા વાતાવરણમાં રાત્રીના સમયે મોટા પાયે ગેસ તથા પ્રદૂષિત ધુમાડાના ગોટા દેખાવાની ઘટનાઓ બનતી રહે છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપની ની બાજુમાં ઝઘડિયા જીઆઈડીસીનો એક ખાલી પ્લોટ આવેલ છે.આ પ્લોટમાં નીલગીરી ના વૃક્ષો વાવેતર કરાયેલ હતા.બે દિવસ પૂર્વે આ નીલગીરીના મોટા ઝાડના પાન તથા નાની ડાળીઓ કોઈ કારણોસર બળીને સુકાઈ ગઈ છે.
નીલગીરીના ઝાડ પર આવી અસર થવાનું કારણ ગેસ લાગવાની ઘટના હોઈ શકે અથવા તો પ્રદૂષિત પાણી ફરી વળ્યા હોય તો આખા ઝાડ ઉભા સુકાઈ ગયા છે ! જાણવા મળતી માહિતી પ્રમાણે પ્લોટની બાજુમાં આવેલ અનુપમ રસાયણ કંપનીમાંથી કોઈ ગેસ વછૂટવાની ઘટના અથવા પાણી છોડવાની ઘટનાના કારણે ૫૦ થી વધુ નીલગીરીના ઝાડ ઉભા સુકાઈ ગયા છે.આ ઘટના બાબતે હજી સુધી ઝઘડિયા જીઆઈડીસી તથા જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.