Western Times News

Gujarati News

ઝઘડીયા ખાતે ૨ કરોડના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલનુ ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે – ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાના આદિવાસી તેજસ્વી તારલાઓનું તેમજ સમાજ સેવકોનુ સન્માન કરવામાં આવ્યું.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: યુનો દ્વારા ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કર્યો છે.ત્યાર થી ઉમરગામ થી લઈ અંબાજી સુધીના પટ્ટા પર વિશ્વ આદિવાસી દિનની અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા આદિવાસી સંગઠનો દ્વારા તથા આદિવાસી જનતા દ્વારા ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવી રહ્યા છે. આજરોજ ઝઘડિયા ખાતે રાજ્ય સરકારના રાજ્ય ગૃહમંત્રી અને ભરૂચ જીલ્લાના પ્રભારી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઝઘડિયાના કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે તેમણે આશરે ૨ કરોડના ખર્ચે બનેલ ઝઘડિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલા દાયકાઓથી આદિવાસી વિસ્તારની સકલ બદલાઈ રહી છે.ભૂતકાળ કરતા ઘણો વિકાસ આદિવાસી ક્ષેત્રોએ હાંસલ કર્યો છે.દેશને આઝાદી અપાવવામાં પણ આદિવાસી સમાજના સિંહ ફાળો રહ્યો છે.આ પ્રસંગે તેમણે માનગઢ માં શહીદ થયેલા હજારો આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલી અર્પી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના ૧ અને ૨ માં ૧ લાખ કરોડથી વધુ રૂપિયા વિકાસ માટે ફળવાયા છે.

આદિવાસી સમાજને તેમની સત્તા મળે તે માટે પેસા એક્ટના માધ્યમથી અનેક લોકોને જમીનોના સનદ આપ્યા છે અને તેમને પગભર કર્યા છે.૯૧ હજાર થી વધુ લાભાર્થીઓને દોઢ લાખ એકર જેટલી જંગલની જમીનના આદેશ આપવામાં આવ્યા છે.આદિવાસી વિસ્તારમાં સિંચાઈ યોજનાના માધ્યમ થી આદિવાસી લોકોને ખેડૂત બનાવી પગભર કરાયા છે.પાણી પુરવઠા યોજના હેઠળ નલ સે જલ ના માધ્યમથી આદિવાસી દરેક ફળિયામાં પીવાનુ પાણી પહોંચાડયું છે.ચાલુ સાલે આદિવાસી વિસ્તારોમાં કાર્યો માટે ૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સરકાર દ્વારા આદિવાસી યુવાનોને મેડિકલમાં,ડેન્ટલમાં લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આદિવાસી સમાજ શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જે આદિવાસી વિસ્તારોમાં વીજળી પહોંચી નથી તેવા વિસ્તારોમાં ૧૦૦ વધુ નવા સબ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે.દૂધ સંજીવની યોજના હેઠળ નાના બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.અટલ બિહારી વાજપેયીની સરકારમાં આદિવાસી મંત્રાલય શરૂઆત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સવા છ કરોડ આદિવાસીઓ પગભર બને અને શિરમોર પ્રગતિ હાંસલ કરે તેવી કટિબદ્ધતા સરકારે દાખવી છે.આદિવાસી સમાજનું ઉત્થાન કરવું એ સરકારની ફરજ છે અને આપણી પણ ફરજ છે તેમ તેમણે જણાવ્યું હતું.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ૪૩ જેટલા આદિવાસી તેજસ્વી તારલાઓ તથા સમાજસેવીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.