ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામે ખેતમજુર પર દીપડાનો હુમલો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામે કેળના ખેતરમાં પીલા કાપવાનું કામ કરતા મજુર પર દીપડાએ સામે આવી હુમલો કર્યો હતો.હુમલામાં દીપડાએ મજૂરને પગમાં બચકું ભાઈ ઈજાગ્રસ્ત કર્યો હતો.ઈજાગ્રસ્તને અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારમાં દીપડાઓનો વસવાટ વધ્યો છે,જંગલ માંથી પલાયન કરી મોટા પાયે પશુઓ નર્મદાના કાંઠા વિસ્તારમાં વસી રહ્યા છે. જેથી દીપડાઓના સ્થાનિકો અને પશુઓ પરના હુમલામાં વધારો થયો છે.ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામના રણજીતસિંહ ભરતસિંહ રાજ ના ખેતરમાં તે જ ગામનો અભેસિંગભાઈ રાઈમલભાઈ વસાવા ઉમર વર્ષ ૬૫ કેળના પીલા કાપવાનું કામ કરતો હતો.પીલા કાપતી વેળા અચાનક તેની સામે દીપડાએ આવી તેના પર હુમલો કર્યો હતો.હુમલામાં દીપડાએ તેને પગમાં બચકું ભરી લેતા અભેસિંગ વસાવા લોહો લુહાણ થયો હતો.
ત્યાર બાદ દીપડો ત્યાં થી ભાગી ગયો હતો.ઈજાગ્રસ્ત અભેસિંગભાઈને પ્રાથમિક સારવાર માટે ઝઘડીયાના અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો હતો જ્યાં તબીબ દ્વારા દીપડો હડકવાયો હોવાની શંકા ના કારણે ઘા પર સ્ટ્રેચ લેવાની ના પડતા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. દીપડાની હુમલાની ઘટના બાબતે ઝઘડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.જે.તડવી સાથે ટેલીફોનીક વાત થતા તેમને જણાવ્યું કે કૃષ્ણપુરી વિસ્તારમાં દીપડાને પાંજરે પૂર્વ તે વિસ્તારમાં બે પાંજરાં મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.*