ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે બીજાની જમીનમાં દબાણ કરનાર બે ઈસમો સામે ફરિયાદ.

જમીન માલિકે દબાણ હટાવવા લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ રજુઆત કરી હતી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે અન્યની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર બે ઈસમો વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગોવાલી ગામના જગદીશભાઈ ગુલાબભાઈ પટેલની માલિકીની એક જમીન ગોવાલી ગામની સીમમાં આવેલી છે.આ જમીનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી તેમાં ખેતી થઈ શકે તેમ ન હોઈ ભવિષ્યમાં અન્ય કોઈ રીતે વિકાસ કરી શકાય તે હેતુથી હાલમાં આ જગ્યા ખુલ્લી છોડેલી છે.
આ ખુલ્લી પડેલ જમીનમાં ગોવાલી ગામના બે ઈસમો રમેશભાઈ રમણભાઈ વસાવા અને શંકરભાઈ ચુનિયાભાઈ વસાવાએ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરીને પાનનો ગલ્લો તેમજ બળતણના લાકડા નાંખીને અને ચાર વાંસ સાથે તાડપત્રી બાંધીને ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. જમીન માલિક આ બાબતે વાત કરવા જતા તે ઈસમો એટ્રોશીટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા.ઉપરાંત જાનથી મારી નાંખવાની પણ ધમકીઓ આપતા હતા.
આ ઈસમો પોતાની જમીન માંથી ગેરકાયદેસર દબાણ હટાવતા ન હોવાથી જમીન માલિકે પોલીસ રક્ષણની પણ અરજી આપી હતી.જમીન માલિકે તા.૧૯ એપ્રિલ ૨૦૨૧ ના રોજ લેન્ડ ગ્રેબિન એક્ટ ૨૦૨૦ હેઠળ જીલ્લા કલેક્ટર ભરૂચને રજુઆત કરી હતી.
દરમિયાન હાલમાં ગત તા.૧૦ મીના રોજ જીલ્લા લેન્ડ ગ્રેબિન સમિતિની મળેલ બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સામાવાળાઓનું આ જમીનમાં કોઈપણ પ્રકારનું હક્ક હિત ન હોવા છતાં જમીનમાં ગેરકાયદેસર દબાણ ઉભુ કરેલ હોઈ તેઓની સામે પ્રાથમિક દ્રષ્ટિએ લેન્ડ ગ્રેબિનનો ગુનો બનતો હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ થયેલ હતો.
જેથી જમીન માલિક જગદીશભાઈ ગુલાબભાઈ પટેલ રહે.ગોવાલી તા.ઝઘડીયાનાએ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર રમેશભાઈ રમણભાઈ વસાવા અને શંકરભાઈ ચુનિયાભાઈ વસાવા બન્ને રહે.ગામ ગોવાલી તા.ઝઘડીયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.