ઝઘડીયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મતદાનનો અનેરો ઉત્સાહ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ઝઘડિયા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં મતદાન માટે સારો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકશાહીના મહાપર્વ સમાન મતદાન દિવસે ઝઘડિયા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર યુવાનો વડીલો તેમજ મહિલાઓની ભારે ધસારો જોવા મળ્યો હતો.
તાલુકાના ધારોલી ગામે લાંબી કતારો મતદાન માટે લાગી હતી.હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણીપંચ દ્વારા મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હોય વહેલી સવારે ખૂબ સારું મતદાન ઝઘડીયા તાલુકાની ૨૨ સીટ પર જોવા મળ્યું હતું.
બપોરના ચાર વાગ્યા સુધી ઝઘડીયા તાલુકાની ૨૨ સીટ પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું.ભરૂચ જિલ્લાના ૯ તાલુકા પૈકી બપોરે ૪ વાગ્યા સુધીમાં સૌથી ઊંચું નેત્રંગ તાલુકાનું
૬૫ ટકા મતદાન હતું. વાલીયા તાલુકા નું ૬૩ ટકા મતદાન થયું જ્યારે ઝઘડીયા તાલુકાનો ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસી વસતિ ધરાવતા ગામડાઓમાં મતદાન ઉચુ રહ્યું હતું.
ઝઘડીયા તાલુકાની ૨૨ તાલુકા પંચાયત અને ૪ જિલ્લા પંચાયતની બેઠકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઝઘડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના મતદાન દરમિયાન સદ્નસીબે કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી.