Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકાના સારસા ગામે રેતીની લિઝમાં થયેલ  લેતી દેતીના મુદ્દે વિવાદ

ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે પંચાયત કાર્યાલય પર હલ્લાબોલ.

લીઝધારકે પંચાયત હોદ્દેદારોને પચાસ હજાર રુ.આપ્યા હોવાની વાતે વિવાદ વકર્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં આવેલ રેતીની લીઝ બાબતે લીઝ ધારક પાસેથી પંચાયત સભ્યોએ પૈસા લીધા હોવા બાબતે મોટો  વિવાદ સર્જાયો હતો.આજે ભાજપા કાર્યકર હિરલ પટેલની આગેવાની હેઠળ ગામની મહિલાઓ સહિત નાગરીકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પંચાયત ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો.સારસા ગામ નજીક વહેતી માધુમતિ ખાડીમાં આવેલ રેતીની લીઝ બાબતે વિવાદ સર્જાયો હતો.

આ અંગે તલાટી લીઝધારક તેમજ પંચાયત અગ્રણીઓએ પત્રકારોને આપેલ નિવેદનોમાં એકબીજા થી વિપરીત વાત રજુ કરાતા કોણ સાચુ અને કોણ ખોટુ તે બાબતે રહસ્ય સર્જાયુ હતુ!લીઝ ધારક શંકરભાઈ ભોઈના જણાવ્યા મુજબ પંચાયત હોદ્દેદારોએ રુ.એક લાખ માંગ્યા હતા પરંતુ પચાસ હજારમાં સોદો થયો હતો! તલાટી સુરેશભાઈએ તેઓ આ બાબતે કંઇપણ જાણતા નથી એમ જણાવ્યુ હતુ.પંચાયત અગ્રણી જિગ્નેશ પટેલે રુ.પચાસ હજાર તેમની પાસે આવ્યા હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.પરંતુ પંચાયતના સભ્યોને પાંચ પાંચ હજાર રુ.મળ્યા હોવાની વાત સ્વિકારી હતી.પંચાયત કચેરી ખાતે થયેલ હલ્લાબોલ બાબતે પોલીસની પણ દરમ્યાનગીરી થઈ હતી.બાદમાં પંચાયત ઓફિસને તાળુ

મારીને બંધ કરવામાં આવી હતી. લીઝ ધારક શંકરભાઈના જણાવ્યા મુજબ આ લીઝ કાયદેસર હતી,તો પછી પૈસાની લેતી દેતીનો વિવાદ કેમ સર્જાયો?તે વાતે મોટુ રહસ્ય સર્જાયેલુ જણાય છે!ત્યારે સારસા ગામે માધુમતિ ખાડીની રેતીની લીઝનો વિવાદ મોટુ સ્વરુપ ધારણ કરશે એવા સંકેત હાલ તો દેખાઈ રહ્યા છે.ગામની મહિલાઓએ ઘર વપરાશના પાણીના નિકાલ બાબતે ગટરો તેમજ અન્ય જરૂરી સુવિધાઓ આપવામાં પંચાયત નિષ્ફળ નિવડી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છેકે ગુજરાત યુવક બોર્ડના ઝઘડીયા તાલુકા સંયોજક હિરલ પટેલે રેતીની લીઝમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સારસા ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ધરણા કરવામાં આવનાર હોવા બાબતનો મેસેજ સોશ્યલ મિડીયામાં  મુક્યો હતો.આ લખાય છે ત્યારે પણ રેતીની લીઝ સંબંધે થયેલ પૈસાની કથિત  લેતી દેતીના મુદ્દે ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે.

લીઝ ધારક કહે છેકે તેમની લીઝ કાયદેસર છે.ત્યારે પૈસાની લેતી દેતીનો મુદ્દો ઉછળતા લીઝ કાયદેસર છે કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યુ છે?એ બાબતે યોગ્ય તપાસ થાય તોજ સત્ય હકિકત બહાર આવે એમ હાલતો જણાઈ રહ્યુ છે.આ લખાય છે ત્યાં સુધી હજુ આ બાબતે કોઇની અટકાયત નથી થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.