Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકાની પાંચ ગ્રામ પંચાયત દ્વારા ‘આદિજાતિ વિસ્તાર’ બોર્ડ લગાવવામાં આવ્યા

બોર્ડમાં પાંચમી અનુસૂચિ, વેદાતા અને સમતા જજમેન્ટ તથા અનુચ્છેદો ટાંકવામાં આવ્યા છે.- આ પ્રસંગે ગુજરાત ટ્રાઈબલ એડવાઈઝરી કમીટીના સભ્ય અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાની તલોદરા,ફૂલવાડી,વંઠેવાડ, દધેડા અને લીંભેટ પંચાયત દ્વારા ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળનો આદિજાતિ વિસ્તાર જાહેર કરી ગ્રામસભામાં બોર્ડ લાગવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.પંચાયત દ્વારા પંચાયતની હદમાં પાંચમી અનુસૂચિ હેઠળનો આદિજાતિ વિસ્તાર તેવા બોર્ડ લગાવી પાંચમી અનુસૂચિ, વેદાતા જજમેન્ટ,સમતા જજમેન્ટ અને અનુચ્છેદો બોર્ડમાં ટાંકવામાં આવ્યા છે.આ પ્રસંગે ગુજરાત ટ્રાઈબલ એડવાઈઝરી કમીટીના સભ્ય અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા,બીટીપીના રાષ્ટ્રીય મહાસચિવ દિલિપ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી અનુસૂચિ ૫ ની સંપૂર્ણ અમલવારી કરવા સરકાર સમક્ષ અનેક રજૂઆતો આવેદનપત્રો તથા આંદોલનનો થવા પામ્યા છે. અનુસૂચિ ૫ અને શિડયુલ ૬ ના અમલ સરકાર પાસે કરાવવા માટેનમાટેની ઝુંબેશનુ મુખ્ય સેન્ટર ઝઘડિયા તાલુકો છે.

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા અનુસૂચિ ૫ અને શિડયુલ ૬ ની અમલવારી માટે લડત ચલાવાઈ રહી છે.તેના અનુસંધાને આજરોજ ઝઘડિયા તાલુકાની પાંચ ગ્રામ પંચાયત તલોદરા,દધેડા, ફુલવાડી,વંઠેવાડ અને લીંભેટ દ્વારા ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળની આદિજાતિ વિસ્તાર જાહેર કરતો ગ્રામસભામાં બોર્ડ લગાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.ગ્રામસભાના ઠરાવમાં પાંચમી અનુસૂચિ, વેદાતા જજમેન્ટ, સમતા જજમેન્ટ તથા છ અનુચ્છેદો બોર્ડ માં દર્શાવવામાં આવ્યા છે.જેમાં (૧) પાંચમી અનુસૂચિઃ આદિજાતિ વિસ્તારમાં જળ જંગલ જમીનના માલિક આદિજાતિ છે અને આદિજાતિના લોકોનું શાસન હશે.

(૨) અનુચ્છેદ ૧૩ (ક)ઃ રૂઢિવાદી ગ્રામસભાનો પ્રભાવ અને ગ્રામસભાના કાયદા નિર્ણય લાગુ થશે અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં સામાન્ય કાયદાઓ લાગુ પડશે નહીં. (૩) અનુચ્છેદ ૧૯ (૫) (૬)ઃ અધિસૂચિત ક્ષેત્રમાં ગ્રામસભાના પરમીશન વગર બિન આદિજાતિના વ્યક્તિ નહીં ઘૂસી શકે. (૪) વેદાતા જજમેન્ટઃ અધિસૂચિત આદિજાતી વિસ્તારમાં ગ્રામસભાની પરવાનગી વગર ખનન નહીં થઈ શકે કારણ ખાણોની માલિકી હક આદિવાસીનો છે. (૫) સમતા જજમેન્ટઃ અધિસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓની જમીન ગેર આદિવાસી નહીં ખરીદી શકે. (૬) અનુચ્છેદ ૨૪૪ (૧)ઃ અધિસૂચિત વિસ્તારમાં આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ હશે. (૭) અનુચ્છેદ ૨૪૩ (બ)ઃ અધિસૂચિત વિસ્તારમાં નગરપાલિકા અને નગર નિગમ અસંવૈધાનિક છે.

(૮) અનુચ્છેદ ૨૪૪(૧)પેરા ૫(ક)ઃ આ અનુચ્છેદને નહીં માનવાવાળો દેશદ્રોહી ગણાશે. (૯) અનુચ્છેદ ૨૪૪(૧) પેરા ૨ઃ અધિસૂચિત આદિજાતિ વિસ્તારમાં સ્થાનિક નોકરીઓમાં આદિવાસીઓની સંખ્યા સો ટકા અનામત રહેશે. (૯) હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ઃ આ અધિનિયમ અનુસાર આદિવાસી રીતિ-રિવાજ અન્ય ધર્મોથી અલગ છે માટે આદિવાસી હિન્દુ નથી. તેમ પાંચ ગ્રામ પંચાયતો તલોદરા,ફૂલવાડી,વંઠેવાડ,દધેડા અને લીંભેટ દ્વારા પંચાયતની હદમાં લગાવાયેલ બોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે. ગ્રામસભામાં કરેલ પાંચે પંચાયતોના ઠરાવના બોર્ડ જે તે ગ્રામ પંચાયતની હદમાં લગાવવામાં આવ્યા છે.જેમાં ગુજરાત ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીના સભ્ય અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા,બીટીપીના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવા તથા પાંચેય ગ્રામ પંચાયતોના સરપંચ ઉપસરપંચ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.