ઝઘડીયા તાલુકામાં કાર્યરત અસંખ્ય સિલિકા પ્લાન્ટસમાં કેટલા કાયદેસર?
જીલ્લાનો ભુસ્તર વિભાગ તેમજ તાલુકાના અધિકારીઓ સઘન તપાસ કરવા આગળ આવશે ખરા?
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનો ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ જીલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે.ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે.આનો ગેરલાભ ઉઠાવીને ખનીજ ચોરો તેનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે.
તાલુકા માંથી પસાર થતી નર્મદાના વિશાળ પટમાં આડેધડ થઈ રહેલા રેત ખનનનો મુદ્દો લાંબા સમયથી વિવાદમાં છે.ઉપરાંત તાલુકામાં આજે અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ કાર્યરત છે.રાજપારડીની આજુબાજુમાં જ અસંખ્ય સિલિકાના પ્લાન્ટ્સ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે.
આમાં કેટલા કાયદેસર નિયમ મુજબના છે અને કેટલા નિયમો વિરુધ્ધ કાર્યરત છે એ બાબતે ઘનિષ્ઠ તપાસની જરૂર વર્તાય છે.ખનીજ ચોરોને અંકુશમાં રાખવા જીલ્લાકક્ષાએ ખાણ ખનીજ વિભાગ કાર્યરત છે.ઉપરાંત તાલુકાના અધિકારીઓને પણ ખનીજ ચોરોને અંકુશમાં રાખવાની સત્તા અપાયેલી હોય છે.પરંતું દુખની વાત છે કે તાલુકા જીલ્લાના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ લાંબા સમયથી ઉઠી રહી છે.આ બધું અધિકારીઓના બહેરા કાને અથડાઈને પાછુ ફરતુ હોય છે.
આપણી લોકશાહીમાં ગ્રામ પંચાયત પાયાના રુપમાં ગણાય છે.સ્થાનિક લોકોના સંપર્કમાં પ્રથમતો ગ્રામ પંચાયતજ હોય છે.ગ્રામ પંચાયતોના પદાધિકારીઓને તો પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એની ખબર હોયજ ! અને એ વાત સ્વાભાવિક ગણાય ! ત્યારે તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ નિયમો મુજબ ચાલી રહ્યા છે કે પછી લોલમ લોલ !
આ જાેવાની ફરજ જેતે ગ્રામ પંચાયતની પ્રથમ ગણાય.આને માટે નિયમ બનવા જાેઇએ કે જે ગ્રામ પંચાયતની હદમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તેના જવાબદાર પદાધિકારીઓ પર પગલા ભરાવા જાેઈએ.
જીલ્લાનો ભુસ્તર વિભાગ તેમજ તાલુકાના સંબંધિત અધિકારીઓ પણ આ બાબતે ચુપ હોવાથી ખનીજ ચોરો સાથે તેમની મિલિભગત હોવાની પણ શંકા ઉદભવે છે.ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને સંબંધિત અધિકારીઓએ બેનંબરની સંપતિતો નથી ઉભી કરીને ?
એ બાબતની પણ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જાેઈએ,જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી શકે.તાલુકા માંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગ પર પણ ઘણા સિલિકા પ્લાન્ટ્સ કાર્યરત છે, અને હજુ અન્ય કેટલાક તૈયાર થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ત્યારે જીલ્લાના અને તાલુકાના અધિકારીઓ પોતાની ફરજ બજાવીને એક નૈતિક દ્રષ્ટિનો પણ વિચાર કરીને આ બાબતે સઘન તપાસ કરવા આગળ આવશે ખરા? આજ પ્રશ્ન અત્યારેતો તાલુકામાં ચર્ચાના સ્થાને રહેલો છે. તાલુકાની ખનીજ સંપતિને ખોબેખોબે લુંટી રહેલા ખનીજ ચોરોને સબક શીખવાડવાનો સમય પાકી ગયો છે.