ઝઘડીયા તાલુકામાં કેળના પાક માટે સમયાંતરે પાક પરિસંવાદ યોજવા જરૂરી
તાલુકામાં કેળના પાકના વધેલા વ્યાપથી કેળાના ઉત્પાદન બાબતે ઉજળા ભવિષ્યની આશા
(પ્રતિનિધિ) ભરૂચ, વિવિધ જાતના ફળોમાં કેળા પણ મહત્વના સ્થાને ગણાય છે.ઠેરઠેર બજારોમાં ફળોની દુકાનોમાં તેમજ ફળ વેચનારા ફેરિયાઓની હાથ લારીઓમાં અન્ય ફળોની સાથે ગોઠવાયેલા કેળા પણ ફળરસીક ગ્રાહકોનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.કેળાની ગણતરી એક સર્વમાન્ય ફળ તરીકે થાય છે.
ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો ઉપરાંત શ્રીમંત પરિવારો સહિત મોટાભાગે દરેક પરિવારોમાં કેળા એક ફળ તરીકે પોતાનું આગવુ સ્થાન ધરાવતા હોય છે.સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં કરાતા ઉપવાસ દરમ્યાન તેમજ મુસ્લિમ ધર્મમાં રમઝાન માસ દરમિયાન કેળાંની માંગ વિશેષ પ્રમાણમાં રહે છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેળનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.સામાન્ય રીતે પાંચમાં અને છઠ્ઠા મહિન?ામાં કેળના ટિસ્યુની રોપણી કરાતી હોય છે.કેળની ગાંઠો પણ રોપાતી હોય છે.
ટિસ્યુની રોપણી બાદ ૧૨ મહિનાના સમયગાળામાં પરિપકવ પાક તૈયાર થાય છે.કેળના છોડ પરની પરિપક્વ લુમનું વજન ૨૦ કિલો આસપાસનુ હોય છે.કેળના વાવેતર બાદ નિયમાનુસાર સમયાંતરે જરૂરી પ્રમાણમાં પાણી ખાતર અને દવાઓ આપવી પડે છે.ખેતરોમાં તૈયાર થયેલ પરિપક્વ કેળની લુમોની કાપણી થાય છે.
ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામના ખેડૂત હરેશભાઈ પટેલે જણાવ્યુ કે તાલુકામાં હાલ કેળનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.કેળાના વેપારીઓ કેળાની ખરીદી કરીને તેને પકવીને મોટામોટા માર્કેટોમાં જથ્થા બંધ વેપારીઓને વેચાણ કરતા હોય છે.ત્યાંથી ફળના નાના વેપારીઓ અને ફેરિયાઓ ખરીદ કરે છે.
ઝઘડીયા તાલુકામાં ઉત્પન્ન થયેલ કેળા સુરત,અમદાવાદ,વડોદરા,મુંબઈ જેવા મોટા શહેરો ઉપરાંત ગુજરાત બહાર રાજસ્થાન તેમજ અન્ય સ્થળોએ પણ વેચાણ માટે જતા હોય છે.ઝઘડીયા તાલુકામાં હાલ કેળનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે,ત્યારે કેળ પકવતા ખેડૂતો કેળની ખેતીની આધુનિક પ્રધ્ધતિ થી માહિતીગાર થઈ શકે તે માટે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સમયાંતરે કેળના પાકને લગતા પાક પરિસંવાદો તેમજ સેમિનારો યોજવા જરૂરી છે.આમ થતાં તાલુકાના ખેડૂતો કેળના પાકને લગતી સંપૂર્ણ માહિતી મેળવીને શક્ય તેટલુ વધુ ઉત્પન્ન મેળવી શકે.*