ઝઘડીયા તાલુકામાં થતી સીમ ચોરીમાં સંડોવાયેલા આરોપી ઝડપાયા
રાજપારડી પોલીસે સંડોવાયેલા મનાતા બે આરોપી હસ્તગત કર્યા : અન્ય બે ઈસમો વોન્ટેડ.
(વિરલ રાણા દ્વાર) ભરૂચ, પાછલા કેટલાક સમયથી ઝઘડીયા તાલુકાના ઝઘડીયા ઉમલ્લા અને રાજપારડી પોલીસ સ્ટેશનોના વિસ્તારના ગામોની સીમમાં વિવિધ ખેતી ઉપયોગી સાધનોની ચોરીઓ મોટા પ્રમાણમાં થતાં ખેડૂતોમાં ચિંતા જણાતી હતી અને ખેતરોમાં સિંચાઈ માટે લગાડેલા વિવિધ ઉપકરણો અને અન્ય સામાનની ચોરીઓ કરતી ગેંગ તાલુકામાં સક્રીય હોવાની ચર્ચાઓ ઉઠી હતી.
દરમ્યાન રાજપારડી પીએસઆઈ જયદીપસિંહ જાદવે અલગ અલગ ટીમો બનાવીને સીમ ચોરોને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.ત્યારે તપાસ દરમ્યાન મળેલ બાતમીના આધારે વિજયભાઈ જેન્તીભાઈ વસાવા રહે.ગામ પીપદરા તા.ઝઘડીયાને પકડીને સઘન પુછપરછ હાથ ધરતા તે ભાંગી પડેલ અને પોતાના સાગરીતો સાથે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૫ જેટલી જગ્યાના ખેતરો માંથી ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ ઝાટકા મશીન સ્ટાર્ટર ઓટો સ્વિચ રસ્તા પર લગાડેલ સ્ટ્રીટ લાઈટોની બેટરી વીજમીટર કેબલ વાયર પાણીની મોટર વિગેરે ની ચોરી કરી પોતાના ગામ પીપદરાની સીમમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી.
ઉપરાંત આગળ પણ બીજી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હોવાનું રાજપારડી પોલીસે જણાવ્યું હતુ.ઉપરાંત ચોરેલા સામાન માંથી અમુક મુદ્દામાલ ભંગારની દુકાન ઉપર વેચેલ હોવાની કબુલાત કરી હોવાનું જણાવાયુ હતુ.ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં થયેલ વિવિધ ગુનાઓ સંબંધિત પોલીસે કુલ રુ.૧૯૫૧૦૦ નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.રાજપારડી પોલીસે આ બાબતે વિજયભાઇ જયંતીભાઈ વસાવા રહે.પીપદરા તા.ઝઘડીયા અને રણજીતસિંહ મુળજીબાવા વાંસદીયા રહે.રાજપારડીની અટકાયત કરી હતી.પોલીસ દફતરે આ ગુના સંબંધે અન્ય બે ઈસમો સંજયભાઈ શનાભાઈ વસાવા અને શૈલેશભાઇ સોમાભાઇ વસાવા બન્ને રહે.ગામ પીપદરા તા.ઝઘડીયા વોન્ટેડ હોવાનું જણાવાયુ હતુ.તાલુકાના વિવિધ વિસ્તારોમાં થયેલ સીમ ચોરીઓ નો ભેદ ઉકેલાતા ખેડૂત સમુદાયમાં રાહતની લાગણી જોવા મળી હતી.