Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા માર્ગની ચાર માર્ગીય કામગીરી અધુરી રહેતા હાલાકી.

માર્ગની ચાર માર્ગીય કામગીરી સંપૂર્ણપણે ક્યારે પુરી થશે એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો : માર્ગ બિસ્માર બનતા રિપેરિંગ કામગીરી થાય છે પણ સક્ષમ કામગીરીનો અભાવ વર્તાય છે.

(વિરલ રાણા ) ભરૂચ,
સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ ઝઘડીયા તાલુકામાંથી પસાર થાય છે.અંકલેશ્વર રાજપીપળા વચ્ચેના આ રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી થોડા વર્ષો પૂર્વે શરૂ કરવામા આવી હતી.ભરૂચ જીલ્લાના ઔધોગિક નગર અંકલેશ્વરને નર્મદા જીલ્લાના વડામથક રાજપીપળા સાથે જોડતો આ ધોરીમાર્ગ રાજપીપળાની આગળ કેવડીયાને જોડે છે.

આ માર્ગ દક્ષિણ ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગોમાં મહત્વનો માર્ગ મનાય છે.અત્રે ઉલ્લેખનીય છેકે થોડા વર્ષો પહેલા આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાતના પગલે બન્ને જીલ્લાની જનતામાં ખુશી ફેલાવા પામી હતી.કેવડીયા ખાતે વિશ્વ વિખ્યાત સરદાર પ્રતિમાના નિર્માણથી આ માર્ગનું મહત્વ ખુબ વધી ગયુ છે.

Statue Of Unityને નિહાળવા આવનારા સહેલાણીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થશે,ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગોનો યોગ્ય વિકાસ જરુરી બન્યો છે.દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ તરફથી Statue Of Unityની મુલાકાતે આવનારા સહેલાણીઓ માટે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેનો ધોરીમાર્ગ મહત્વનો માર્ગ મનાય છે.આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા જ્યાં જ્યાં માર્ગ બન્યો હતો ત્યાં પણ જૈસે થે જેવી સ્થિતિ પુનઃ સ્થાપિત થઈ જવા પામી. અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે આ ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવા માટે વચમાં આવતા નાળાઓ તેમજ પુલો પણ ડબલ બનાવવા પડે તેમ હોઈ માર્ગની કામગીરીની સાથેસાથે જુના નાળા પુલોની સાથે બીજા પુલ નાળા બનાવવાની કામગીરી પણ શરુ કરવામાં આવી હતી.

કામગીરી ખોરંભે પડ્યા બાદ હાલમાં થોડા સમય પહેલા કેટલાક પુલ અને નાળા બનાવવાની અધુરી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી,પરંતું તે કામગીરી પણ થોડો સમય કાર્યરત રહ્યા બાદ પાછી ખોરંભે પડી જતા કામ સંપૂર્ણપણે ક્યારે પુરુ થશે એ બાબતે જનતામાં આશ્ચર્યજનક રીતે સવાલો ઉઠી રહ્યા છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક માધુમતિ ખાડી પરના પુલની તેમજ ભુંડવા ખાડી પરના પુલની કામગીરી પણ ફરીથી ચાલુ કરવામાં આવી હતી.

ત્યારે કંઈક આશા બંધાઈ હતી.પરંતુ આ કામ પણ થોડોક સમય ગોકળગાયની ગતિએ ચાલ્યા બાદ ફરીથી પાછુ ખોરંભે પડી ગયું ! રાજપારડી નજીકનો માધુમતિ નદી પરનો જુનો પુલ ખખડધજ બની ગયો છે.પુલને અડીને નવો પુલ બનાવવાની કામગીરી અધુરી રહેતા બન્ને તરફના વાહનોએ જુના પુલનો ઉપયોગ કરવો પડે છે. રાજપીપળાથી આગળ આ માર્ગ બોડેલી છોટાઉદેપુર અને તેનાથી આગળ મધ્યપ્રદેશ તરફના વાહનો માટે પણ સુરત મુંબઈ તરફ જવા આવવા માટે મહત્વપૂર્ણ મનાય છે.થોડા વર્ષો પહેલા ચાર માર્ગીય કામગીરી શરુ થઈ હતી.

ત્યાર બાદ કેટલીક જગ્યાએ કામગીરી પુરી પણ થઈ અને કેટલાક સ્થળોએ અધુરી રહી.જ્યાં જયાં રોડનું કામ થયુ હતુ ત્યાં પણ સમય જતા ચોમાસા દરમ્યાન રોડ ગાબડાઓ પડીને બિસ્માર બની ગયો.માર્ગ પર ઠેરઠેર ગાબડાઓ પડતા છોટાઉદેપુર તરફથી સુરત તરફ જવાવાળા ઘણા વાહનચાલકો બોડેલી ડભોઈ કરજણના અથવાતો રાજપીપળા નેત્રંગ અંકલેશ્વરના માર્ગનો ઉપયોગ કરતા થઈ ગયા હતા.

આ માર્ગ Statue Of Unityને જોડતો માર્ગ હોવાથી અન્ય માર્ગોની સરખામણીમાં મહત્વના સ્થાને રહેલો ગણાય.ઘણીવાર માર્ગ પર પડેલ ખાડાઓ પુરવાની કામગીરી થાય છે.પરંતું માર્ગને ચાર માર્ગીય બનાવવાની વિલંબમાં પડેલ કામગીરી નવા આયોજન સાથે શરૂ કરવામાં આવે તો તે વાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ ગણાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.